ગાંધીનગર શહેરમાં દોડતી રીક્ષાઓને સીએનજી અથવા એલપીજી ચાલિત કરી દેવા માટે વર્ષ ૨૦૧૧માં આરટીઓ દ્વારા અલ્ટિમેટમ્ આપવામાં આવ્યા પછી શરૂઆતમાં તેનો અમલ થયો હતો. પરંતુ સમય વિતવાની સાથે કોઇ પૂછનારૂ નહીં રહેતા સેંકડો રિક્ષાઓ ભેળસેળિયા ઇંધણથી દોડવા સાથે વ્યાપક પ્રદુષણ ફેલાવતી થઇ ગઇ હતી.
હાલમાં પણ આવી રીક્ષાઓ કોઇપણ સમયે અને કોઇપણ માર્ગ પર જોવામાં આવે છે. આરટીઓ કે, પોલીસ તંત્ર દ્વારા તેમની સામે કોઇ પગલા લેવાતા નથી અથવા આંખ મિંચામણા કરવામાં આવતા હોવાથી સ્વચ્છ ગાંધીનગર અને શુદ્ધ આહોહવા ધરાવતા ગાંધીનગરની કલ્પના સાકાર થતી નથી. છેલ્લે આ પ્રકારની ઝેરીલા ધૂમાડા ઓકતી ૨૪૦ જેટલી રીક્ષાઓ સેવાભાવી સંસ્થા દ્વારા નોંધવામાં આવી હતી.
ગ્રીન એન્ડ ક્લીન ગાંધીનગરનું સપનુ સાકાર કરવા માટે એક સમયે તો પાટનગરમાં એસટીની ડિઝલ બસોના પ્રવેશ પર પણ પાંબદિ મુકી દેવાઇ હતી. છેક ૨૦૦૯માં જ્યારે અહીં શહેરી બસ દોડતી કરવામાં આવી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ બસ સીએનજી હોવાની વાતનો આગ્રહ રાખ્યો હતો અને તેનો અમલ કરાયો હતો.
જો કે પછીથી એ તમામ બસ ડિઝલના ધૂમાડા કાઢતી પણ નગરવાસીઓએ જોઇ હતી. હવે ફરીવાર સીએનજી બસો મુકાઇ છે. પરંતુ રીક્ષામાં વધુ કમાણીની લાલાચમાં ભેળસેળિયા ઇંધણનું દુષણ વ્યાપક બની જવાથી ગાંધીનગરના વાતાવરણમાં પ્રદુષણ ફેલાતું રહે છે. તેમાં પણ ભીડભાડ ધરાવતા રસ્તા અને સ્થળોએ તો વ્યાપક સમસ્યા રહે છે.
સ્વૈચ્છિક સંસ્થા મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર એસોસિએશનના એમ યુ કાગદીએ આ મુદ્દે સરકાર અને સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ મામલે ગંભીરતા દાખવાઇ નથી.