લોકસભા ચૂંટણી ૨૦૧૯નું મતદાન પૂરું થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને બહુમતિ મળવાની આગાહી કરવામાં આવી છે. જે પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના કાર્યકરોને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કહ્યું કે તેઓ અફવાઓ અને એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે. એ સાથે જ તેમણે કાર્યકરોને સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર રહેવાની તાકીદ કરી છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને ઓડિયો મેસેજ જારી કરીને કહ્યું કે તમે લોકો અફવાઓ અને એક્ઝિટ પોલથી હિંમત ન હારો, આ અફવાઓ તમારા જુસ્સાને તોડવા માટે ફેલાવવામાં આવી રહી છે. આ બધાં વચ્ચે તમારી સાવધાની વધારે મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર હાજર રહો અને સાવચેત રહો.
ઉલ્લેખનીય છે કે સાતમા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને ૩૦૦થી વધારે બેઠકો મળવી આગાહી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના યૂપીએને ૧૦૦નો આંકડો પાર કરવાનું પણ મુશ્કેલ હોવાનું કહેવામાં આવ્યું છે.