ધો.૧૦ ભાવનગર જિલ્લાનું ૬૬.૧૯ ટકા પરિણામ

770

ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૧૯ માં લેવાયેલી ધો.૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યુ ંહતું. જેમાં ગુજરાત રાજ્યનું પરિણામ ૬૬.૯૭ ટકા આવેલ. જ્યારે ભાવનગર જિલ્લાનું ૬૬.૧૯ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છવાઇ ગયેલ. શાળાઓમાં પરિણામ લેવા વિદ્યાર્થીઓ પોતાનાં વાલીઓ સાથે ખુશખુશાલ ચહેરે પહોંચી ગયા હતા. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ આજે વહેલી સવારથી જ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે મોટાભાગનાં વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોઇ લીધું હતું. અને સવારથી જ શુભેચ્છા સંદેશ શરૂ થઇ જવા પામ્યા હતા અને શાળામાં ૧૧ વાગ્યા બાદ પરિણામ આપવાનું શરૂ કરાયેલ ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર માર્કશીટ લેવા પહોંચી ગયા હતા. ધો.૧૦માં ભાવનગર જિલ્લાનું ગત વર્ષ ૨૦૧૮માં ૬૯.૧૭ ટકા પરિણામ આવેલ જે આ વર્ષે ૨૦૧૯માં ત્રણ ટકા ઘટીને ૬૬.૧૯ ટકા પરીણામ આવ્યું હતું. જેમાં ભાવનગર શહેરનું ૬૯.૩૮ ટકા જ્યારે જિલ્લામાં સૌથી વધુ જેસર કેન્દ્રનું ૮૧.૫૨ ટકા અને સૌથી ઓછું પરીણામ ઘોઘા કેન્દ્રનું ૩૯.૧૮ ટકા જાહેર થયું હતું. ભાવનગર જિલ્લામાં એ ગ્રેડમાં ૩૨૬, એ-૨ ગ્રેડમાં ૧૫૮૪, બી-૧ ગ્રેડમાં ૩૧૩૫, બી-૨ ગ્રેડમાં ૫૪૦૫, સી-૧ ગ્રેડમાં ૮૦૧૪, સી-૨ ગ્રેડમાં ૪૨૭૭, ડી ગ્રેડમાં ૧૮૭, ઇ-૧ ગ્રેડમાં ૧૮૯૫ તથા ઇ-૨ ગ્રેડમાં ૯૮૧૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ જાહેર થયા હતા. ભાવનગર જિલ્લાની ૭ શાળાનું ૧૦ ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હતું જ્યારે ૮ શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું.

બોટાદ જિલ્લાનું ધો.૧૦નું ૬૩.૮૪ ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં સૌથી વધુ લાઠીદડ કેન્દ્રનું ૭૮.૨૬ ટકા અને સૌથી ઓછું બરવાળા કેન્દ્રનું ૪૨.૩૬ ટકા પરિણામ જાહેર થયું હતું. બોટાદ જિલ્લામાં એ-૧ ગ્રેડ સાથે ૨૪ તથા એ-૨ ગ્રેડ સાથે ૩૨૮ વિદ્યાર્થીો ઉત્તિર્ણ થયા હતા. જ્યારે બોટાદની ૨ શાળાનું પરિણામ ૧૦ ટકા આવ્યું હતું. ધો.૧૦નું પરિણામ જાહેર થતાની સાથે જ ધો.૧૧માં એડમીશન આપવા માટેની શાળાઓ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ ભાવનગરની દરેક શાળાઓમાં મોટી સંખ્યામાં ફોર્મનું વિતરણ થયું હતું. અને કેટલીક શાળાઓમાં તો સારી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને એડમીશન આપીને ફી પણ લેવાઇ હતી. જો કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા હજુ બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે મેરીટ બહાર પાડવામાં આવશે જો કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા ધો.૧૧-૧૨ની લાખો રૂપિયા ફી વસુલ કરવામાં આવે છે. તેની સામે ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

Previous articleએસ.એસ.સી બોર્ડમાં ૯૯.૮૮ પર્સનટાઇલ મેળવી દીકરીએ  સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં આપી અંજલી
Next articleમુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ કરવા ઇચ્છુક નથી : તબ્બુ