આવતીકાલે લોકસભાની મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની ૨૬ બેઠકોનું પરિણામ પણ જાહેર થશે. આ પરિણામ પૂર્વે જીતના આશાવાદ સાથે ભાજપે ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ હજૂ અસંમજસમાં છે. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોંગ્રેસને જીત માટે સંપૂર્ણ આશાવાદ નથીઃ આવતીકાલની જીતની ઉજવણીના ભાગરૂપે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખોને પોતાના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયા બાદ કેવી રીતે ઉજવણી કરવી તેની સૂચના ભાજપ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મિઠાઈ, ફટાકડા, ફુલો અને ગુલાલ માટેના કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યા છે.
તો બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના નેતાઓ જીત માટે સંપૂર્ણ આશાવાદી ન હોવાથી ઉજવણી કરવી કે નહીં તે અંગે અવઢવમાં છે. તેથી કોંગ્રેસના નેતાઓ મતગણતરીના સ્થળે પણ કેટલા સમય સુધી અને કોણ રોકાશે તે અંગે પણ હજૂ કોંગ્રેસ ચોક્કસ ગોઠવણ કરી નથી.