૨૫૭ કિ.ગ્રા. અખાદ્ય કેરીનો નાશ કરાયો, ૬૪૭ કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરાયું

534

હિંમતનગર નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે શહેરમાં અખાદ્ય કેરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંતર્ગત કાર્યવાહી હાથ ધરી ૨૫૭ કિ.ગ્રા. કેરીનો નાશ કરાયો હતો અને ૬૪૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ રૂા.૩૫૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

હિંમતનગર શહેરમાં તમામ પ્રકારના ફળ ફળાદિ લોકોના આરોગ્યને જોખમમાં મૂકી કૃત્રિમ રીતે પકવવામાં આવે છે અને બેરોકટોક વેચાણ થઇ રહ્યુ છે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે સીઝનની શરૂઆતમાં નામ પૂરતી કામગીરી કરી અગમ્ય કારણોસર શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરવા ખૂલો દોર આપી દીધો છે. આવુ જ પ્રતિબંધિત પ્લાસ્ટિકના કિસ્સામાં છે એકના એક વેપારીઓ પકડાય છે દંડાય છે અને કડક કાર્યવાહીના અભાવે પ્લાસ્ટિક વેચતા રહે છે.

મંગળવારે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દૂર્ગા બજારમાં હોલ સેલ કેરીનુ વેચાણ કરતા એન.કે. એન્ડ જે.કે. ફ્રૂટ્‌સ નામની પેઢીમાં તપાસ હાથ ધરી ૨૫૭ કિ.ગ્રા. અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત કરી રૂા.૧૨૦૦ નો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ જૈનીય પ્લાસ્ટિકમાંથી ૧૩૨ કી.ગ્રા. હાજીપુરામાં સીનુ પ્લાસ્ટિકમાંથી ૪૪૧ કી.ગ્રા. અને જૂના બજાર ઇમામ પસ્તી ભંડારમાંથી ૬૫ કી.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરી પ્રત્યેકને રૂા.૫૦૦ મળી કુલ રૂા.૧૫૦૦ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તદ્દપરાંત અન્ય દુકાનદારો પાસેથી ૯ કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.૮૦૦ ચાર્જ વસૂલ લેવાયો હતો.

ચીફ ઓફિસર અલ્પેશકુમાર પટેલે જણાવ્યુ કે વારંવાર દંડાતા વેપારીઓને લાયસન્સ રદ કરવાથી માંડી દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવનાર હોવાની વેપારીઓને સૂચના આપવામાં આવી છે.

Previous articleગુજરાત ભાજપની વિજયોત્સવની તૈયારી, મિઠાઈ, ફુલ અને ફટાકડાના ઓર્ડર પણ આપી દીધા
Next articleગાંધીનગરમાં મહાવીર સ્વામીની મૂર્તિમાં થયો ચમત્કાર, વિજ્ઞાનના માટે પણ કોટડારૂપ ઘટના