શહેરના રાણીપ વિસ્તારમાં બિટકોઈન બ્રોકર ભરત પટેલના ચકચારભર્યા આપઘાત કેસમાં નર્મદા જિલ્લામાં એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ વિરૂધ્ધ આખરે રાણીપ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણ બદલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, ડીવાયએસપી છેલ્લા ત્રણ દિવસથી તેમની ઓફિસમાં મળતા નહી હોવાની અને રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી રહી છે, જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે. ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ હર્નિશ સવાણીએ ભરત પટેલને બિટકોઈનનું ટ્રેડિંગ કરવા માટે આપ્યું હતું. જેમાં નુકસાન જવા છતા બંને ભાઈઓએ બિટકોઈનના પૂરા પૈસાની માંગણી કરી અવાર-નવાર ફોન પર ધમકીઓ અને ઘરે આવી પૈસા બાબતે દબાણ કરતા હતા.
જેથી ભરત પટેલે આત્મહત્યા કરી લીધી હતી. જો કે, ભરત પટેલે આત્મહત્યા કરતાં પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને હર્નિષ ઉર્ફે મોન્ટુ સવાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે, ગત તા.૧૮મેના રોજ ભરત પટેલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેઓએ લખેલી સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ હર્નિશ સવાણી ઉર્ફે મોન્ટુ દ્વારા બિટકોઈનના હિસાબ મામલે ભંયકર ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના કારણે આત્મહત્યા કર્યું હોવાનું લખ્યું હતું. ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈનો પરિચય ભરત પટેલને એકાદ વર્ષ અગાઉ પાલડીમાં રહેતા તેમના મિત્ર અને બિલ્ડર ઋત્વીજ શાહ થકી થયો હતો. છ-સાત મહિના પહેલા ડીવાયએસપી ચિરાગ સવાણી ભરત પટેલને મળવા ઘરે આવ્યા હતા, તેમજ તેમના ભાઈ હર્નિશ સવાણી પણ ચાર-પાંચ વખત ઘરે આવી વાતચીત કરી હતી. હર્નિશે ભરત પટેલ સાથે વાતચીત કરી ધમકી આપી હતી. આ ઘટના બાદ ભરત પટેલ ખુબ જ તણાવમાં રહેતા હતા. મોન્ટુ સવાણી ફોન પર ભરત પટેલને ધમકી આપતા હતા. ભરત પટેલ વારંવાર તેમને સમજાવતા હતા. ભરત પટેલ તેમના મિત્ર દિલિપ ભુપતાણી સાથે ચિરાગ પટેલ અને મોન્ટુ સવાણીને મળવા ગાંધીનગર પણ ગયા હતા.
ભરત પટેલ અવાર-નવાર ફોન પર વાતચીત કરતા અને ટેન્શનમાં રહેતા તેમની પત્નીને તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં રહેતા મોન્ટુ સવાણી અને ચિરાગ સવાણીનું પાંચ બિટકોઈનનું ટ્રેડિંગનું કામ લીધુ હતું. જેમાં નુકસાન ગયું છે અને તેઓ ૧૧,૫૭૫ બિટકોઈનનો હિસાબ માંગે છે. બિટકોઈનના રૂપિયા ચૂકવવા વારંવાર ધમકીઓ આપતા હતા. ભરત પટેલની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી હકીકતોને ધ્યાનમાં લઇ રાણપ પોલીસે આખરે ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેમના ભાઇ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.