બદઇરાદા સાથે કોઇ કામ નહીં કરે : મોદીની ખાતરી

715

લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે પાર્ટી ઓફિસ ઉપર ઐતિહાસિક સંબોધન કર્યું હતું. એકબાજુ મોદીએ દેશના લોકોને કેટલીક ખાતરી આપી હતી જેમાં મોદીએ કહ્યું હતું કે, બદઇરાદા સાથે કોઇપણ કામ કરશે નહીં. સાથે સાથે પોતાના માટે કોઇપણ કામ કરશે નહીં. સાથે સાથે તેમનો સમય સંપૂર્ણપણે સામાન્ય લોકો માટે સમર્પિત રહેશે. લોકોને પરેશાની થાય તેવા પણ કોઇ કામ કરશે નહીં. ૪૦ મિનિટના ભાષણમાં મોદીએ સાફ શબ્દોમાં પોતાનું સંબોધન કર્યું હતું. સાથે સાથે ગરીબીને દૂર કરવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મોંઘવારી, ભ્રષ્ટાચાર, બનાવટી ધર્મનિરપેક્ષા જેવા મુદ્દા ઉઠ્યા ન હતા. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામોના સ્પષ્ટ રુઝાન આવી ગયા પછી વડાપ્રધાન મોદી બીજેપી કાર્યાલય પહોંચી ગયા છે. અહીં બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શિવરાજ સિંહ ચૌહાણ પણ બીજેપી કાર્યાલય હાજર રહ્યા હતા. બીજેપી કાર્યાલય પર હજારો કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા છે.

અહીં અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યા પછી વડાપ્રધાન મોદીએ પણ કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ૨૦૧૯ લોકસભાનો જનાદેશ નવા ભારતનો જનાદેશ છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન આ વખતે થયું છે. ૪૦-૪૨ ડિગ્રી ગરમીમાં પણ લોકોએ મતદાન કર્યું છે. હું દેશની જનતાને નમન કરુ છું. વિશ્વએ ભારતીય લોકશાહીની શક્તિને ઓળખવી પડશે. આ ચૂંટણી કોઈ પક્ષ, નેતા કે ઉમેદવારે નથી લડી. આ ચૂંટણી દેશની જનતાએ લડી છે. આજે હિન્દુસ્તાનની જનતાનો વિજય થયો છે. આજે લોકતંત્રનો વિજય થયો છે. આજે જનતા જનાર્દનનો વિજય થયો છે. અમે એનડીએના સાથીઓ આ વિજયને જનતાને સમર્પણ કરીએ છીએ. અમિત શાહે કાર્યકરોને સભા સંબોધીને જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસને કારમી હાર મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ઐતિહાસીક જીત મળી છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂએ વિપક્ષને ભેગા કરવામાં ખૂબ મહેનત કરી.

આટલી મહેનત તેમણે વોટ મેળવવા માટે કરી હોત તો તેમનું ખાતુ તો ખુલી જ જાત. અમિત શાહે નવીન પટનાયક, જગન રેડ્ડીની જીતની શુભેચ્છા પાઠવી છે. અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વખત ભાજપની બહુમતીવાળી સરકાર બની છે. ૧૧ કરોડ કાર્યકરોના પરિશ્રમથી આ વિજય મળ્યો છે. પરિશ્રમની પરાકાષ્ઠાના કારણે અમારો વિજય થયો છે. ૧૨ જેટલા રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ મત મળ્યા છે. ૧૭ રાજ્યોમાં કોંગ્રેસ ખાતુ જ નથી ખોલી શકી. ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનો ભાજપ સામે પડકાર માનતા હતા પરંતુ ત્યાં પણ તેમનો સફાયો થઈ ગયો. રુઝાનમાં ૫૪૨ સીટમાંથી એનડીએ ૩૪૯, યુપીએ ૮૫ સીટથી આગળ ચાલી રહી છે અને ૧૦૮ સીટ પર અન્ય પાર્ટીઓ આગળ ચાલી રહી છે.

Previous articleકોંગ્રેસના પરાજયની ૧૦૦ ટકા જવાબદારી મારી છેઃ રાહુલ ગાંધી
Next articleમોદીની માતા હીરા બાએ પણ દેશના લોકોનો આભાર માન્યો