લોકસભા ચૂંટણીના પરિણામોમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે પીએમ મોદીના માતા હીરાબાએ પણ મતદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમની સાથે નરેન્દ્ર મોદીનું પરિવાર પણ ઉપસ્થિત હતું. હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં. આ સિવાય સ્થળ પર ઉપસ્થિત લોકોએ હર હર મોદી અને વંદે માતરમના નારા લવ્યા હતાં. લોકસભા ચૂંટણીના પરિણામોમાં આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક અને સુનામી જોવા મળ્યા હતા. મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન પદે આરૂઢ થવા જઇ રહ્યા હોઇ સૌથી વધુ ઉત્સાહિત અને ખુશ હોય તો તેમની માતા હીરા બા છે.
મોદીના માતા હીરા બાએ આજે ભાજપને લોકસભા ચૂંટણીમાં ભારે ભવ્યતા સાથે જીતાડવા બદલ અને તેમના પુત્ર મોદીને સત્તાનું સુકાન સોંપવા માટેનું વાતાવરણ ઉભુ કરવા બદલ ગુજરાત સહિત દેશભરની જનતાનો આભાર માન્યો હતો. હીરા બાએ આજે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરની બહાર આવી ગુજરાત સહિત દેશની જનતાનો આભાર માની તેમને બે હાથ જોડયા હતા અને બધાને આશીર્વાદ આપ્યા હતા. મોદીની માતા હીરા બાનો આવો પ્રેમ અને ભાવના જોઇ આસપાસના લોકોએ પણ તેમનો પ્રતિઆભાર વ્યકત કર્યો હતો અને મોદી મોદીના ગગનભેદી નારા લગાવી ભાજપના વિજયને વધાવી લીધો હતો. મોદીના માતા હીરા બા સાથે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.