વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે નરેન્દ્ર મોદીના રેકોર્ડને તોડી નાંખતા ભાજપ મહિલા વર્તુળમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. જો કે, ખુદ ભાજપે પણ રંજનબહેન ભટ્ટની આ રેકોર્ડબ્રેક જીતને વધાવી બિરદાવી હતી. ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પર ૫,૭૦,૧૨૮ મતથી જીત્યા હતા. જેની સામે આ વખતે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની સરસાઇ મોદીની સરસાઇ કરતાં વધુ ૫.૮૦ લાખથી વધુ મતોની થઇ જતાં તેમણે મોદીની લીડના રેકોર્ડને તોડયો હતો. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ ૫,૭૦,૧૨૮ મતથી જીત્યા હતા. ત્યારબાદ તેઓએ વડોદરા લોકસભા બેઠક છોડી દીધી હતી. જેની બાદમાં પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ૩,૨૯,૫૦૭ મતથી જીત્યા હતા. રંજનબેન ભટ્ટે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડવાની સાથે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને મોદી કરતાં વધુ લીડથી વિજયી બન્યા હતા.
આ જ પ્રકારે છોટા ઉદેપુરની બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર ગીતા રાઠવાએ ઐતિહાસિક જીત અને રેકોર્ડબ્રેક લીડ મેળવી હતી.
આ બેઠકમાં ૧૨,૨૫,૦૮૮ મતોની ગણતરી પૂર્ણ થતાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતા રાઠવાને ૭,૬૦,૨૩૮ મત મળ્યા હતા અને કોંગ્રેસના રણજિતસિંહને ૩,૮૩,૬૬૩ને મત મળ્યા હતા. જો કે, એ પછી આખરી ગણતરી બાકી હોઇ ગીતા રાઠવાની રેકોર્ડ બ્રેક જીત નક્કી થઇ હતી. તેઓ વર્તમાન લોકસભામાં એકમાત્ર આદિવાસી મહિલા સાંસદ બનશે.