આજે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો જબરદસ્ત અને ઐતિહાસિક વિજય થયો છે. જેમાં ભાજપના સાંસદો અને નવા નિશાળીયાનો પણ નોંધનીય દબદબો રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
ખાસ કરીને અમિત શાહ સહિતના ૧૧ નવા નિશાળીયા પહેલા જ ધડાકે લોકસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવ્યા હતા. તો અન્ય સાંસદોએ બે થી ચાર ટર્મ સુધી સતત ચૂંટાવાનો રેકોર્ડ કર્યો હતો. જેમાં મોસ્ટ સિનિયર સાંસદ તરીકે ભરૂચના મનસુખ વસાવા બન્યા છે. મનસુખ વસાવા ગુજરાતની લોકસભાની ભરૂચ બેઠક પરથી ૧૯૯૮થી લઈ ૨૦૧૯ સુધી સતત છ વાર વિજયી બન્યા છે. જ્યારે સી.આર.પાટીલ સહિતના ચાર સાંસદો ચાર ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. તો, સતત બીજી ટર્મમાં ચૂંટાયેલા સાંસદોની સંખ્યા ૧૧ ની થઇ છે. બીજીબાજુ, આ વખતની ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વાર ચૂંટણી જંગ જીતેલા ૧૦ સાંસદો બન્યા છે. આ રસપ્રદ ઇતિહાસ જોઇએ તો, દક્ષિણ ગુજરાતના નવસારીના સી.આર.પાટીલ, સુરતના દર્શના જરદોશ, અમદાવાદ(પશ્ચિમ)ના કિરીટ સોલંકી અને અમરેલીના નારણ કાછડીયા ત્રીજી ટર્મમાં વિજેતા થયા છે, તેમજ બીજી ટર્મમાં દાહોદના જશવંતસિંહ ભાભોર, સાબરકાંઠાના દીપસિંહ રાઠોડ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, જૂનાગઢના રાજેશ ચુડાસમા, ભાવનગરના ભારતીબહેન શિયાળ, બારડોલીના પ્રભુ વસાવા, જામનગરના પૂનમ માડમ, વડોદરાના રંજનબહેન ભટ્ટ, રાજકોટના મોહન કુંડારિયા, કચ્છના વિનોદ ચાવડા, વલસાડના કે.સી.પટેલ ચૂંટાઈ આવ્યા છે.
તેમજ ખેરાલુના ભરતસિંહ ડાભી, પંચમહાલના રતનસિંહ રાઠોડ, પોરબંદરના રમેશ ધડુક, સુરેન્દ્રનગરના ડૉ.મહેન્દ્ર મુંજપરા, બનાસકાંઠાના પરબત પટેલ, અમદાવાદ(પૂર્વ)ના એચ.એસ.પટેલ, આણંદના મિતેશ પટેલ, છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવા, ગાંધીનગરના અમિત શાહ અને મહેસાણાના શારદાબેન પટેલ પહેલીવાર ચૂંટાઈ આવ્યા છે.