શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૬૨૩ પોઈન્ટ ઉછળીને ૩૯૪૩૫ની સપાટીએ રહ્યો હતો. આઈસીઆઈસી બેંક, ભારતી એરટેલ, વેદાંતા, ટાટા મોટર્સના શેરમાં તેજી જામી હતી. આજે જોરદાર તેજીના માહોલ દરમિયાન બીએસઈમાં કારોબાર દરમિયાન ૩૦ શેર પૈકી માત્ર હિન્દુસ્તાન યુનિલીવર અને એનટીપીસીના શેરમાં મંદી રહી હતી. બીજી બાજુ બ્રોડર નિફ્ટીમાં ૧૮૭ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૮૪૪ રહી હતી. આજે કારોબાર દરમિયાન ૧૮૨૩ શેરમાં તેજી રહી હતી. ૬૭૬ શેરમાં મંદી રહી હતી. ૧૫૦ શેરમાં યથા સ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઈન્ડેક્સમાં ૨૯૫ પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો. જેથી તેની સપાટી ૧૪૯૪૫ રહી હતી. જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૧૪૬૭૦ની સપાટી રહી હતી. તેમાં ૩૪૭ પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો. તમામ સેકટરલ ઈન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સમાં ૫.૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે નિફ્ટી રિયાલીટીમાં ૪.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. ગઈકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ ઘટીને ૩૮૮૧૧ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટીને ૧૧૬૫૭ની સપાટી પર રહ્યો હતો. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ હાલમાં સેંસેક્સ ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર શેરબજારમાં થઇ હતી. આ ઉપરાંત કંપનીઓના પરિણામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય મૂડી માર્કેટમાંથી મે મહિનામાં હજુ સુધી ૬૩૯૯ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલીના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ રહી છે. આ પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન સતત પૈસા ઠાલવ્યા હતા. જો કે, આ પ્રવાહમાં મે મહિનામાં રિવર્સ પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા બીજીથી ૧૭મી મેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૬૧૨.૬૨ કરોડ રૂપિયા અને ઇક્વિટીમાંથી ૪૭૮૬.૩૮ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. આની સાથે જ નેટ આઉટફ્લોનો આંકડો ૬૩૯૯ કરોડ રૂપિયાનો રહ્યો છે.