ગુજરાતમાંથી રૂપાલા, ભાભોર, સી. આર. પાટીલ અને પૂનમ માડમ મંત્રી બની શકે છે

1038

દેશમાં ફરીએકવાર નરેન્દ્ર મોદી સરકાર બની રહી છે, ત્યારે મોદીના પડછાયા સમાન ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ પણ સાંસદ તરીકે જંગી લીડથી ચૂંટાઈ આવ્યા છે. નવી મોદી સરકારમાં અમિત શાહ નંબર ટૂના સ્થાને ગૃહ સહિતના મહત્વના હોદ્દાઓ સંભાળી શકે છે અથવા તો નાયબ વડાપ્રધાન તરીકે પણ સરકારમાં નંબર ટૂનું સ્થાન મળી શકે છે. જ્યારે આ સિવાય સી.આર. પાટીલ, રૂપાલા, જશવંતસિંહ ભાભોર અને પૂનમ માડમ મંત્રી બની શકે છે.

જો દક્ષિણ ગુજરાતમાંથી સી.આર. પાટીલને મંત્રીપદ આપવામાં આવે તો આ જ ઝોનના સુરતમાંથી ચૂંટાયેલા દર્શના જરદોષ અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને મંત્રી મંડળમાં સમાવી શકાય નહીં. તે જ રીતે દાહોદના જશવંતસિંહ ભાભોર મંત્રી બને તો આદિવાસી વિસ્તાર માંથી ગીતાબહેન રાઠવાને પણ મંત્રીપદ આપવું શક્ય નથી. જેથી સૌરાષ્ટ્રમાંથી જો મનસુખ માંડવિયાને પડતા મુકવામાં આવે તો સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ જાળવી રાખવા પૂનમ માડમને તક મળી શકે છે.

ગુજરાતમાંથી ફરીવાર તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાંથી અમિત શાહ સહિત અન્ય ત્રણ સાંસદોને પણ મંત્રીપદ મળી શકે છે. જેમાં મોદીની નજીકના અને સૌથી વધુ લીડથી વિજયી બનેલા સી.આર. પાટીલને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળે એવી શક્યતા છે. આ સિવાય મહિલાને પ્રતિનિધિત્વ આપવા માટે પૂનમ માડમનો પણ પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. અગાઉના મંત્રીમંડળના સભ્ય એવા મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલામાંથી માંડવિયાને મંત્રીપદમાંથી મુક્ત કરીને કોઈ બીજી જવાબદારી આપવામાં આવે એવી સંભાવના છે. જ્યારે જશવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવી શકે છે. ગત મોદી સરકારમાં રાજ્યસભા ના સાંસદો મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને હરિભાઈ ચૌધરી તથા જશવંત ભાભોર રાજ્યકક્ષાના મંત્રી પદે હતા. જેમાંથી હરિભાઈ ચૌધરીની બનાસકાંઠામાંથી બાદબાકી થયેલી છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં રાજ્યનું પ્રતિનિધિત્વ વધવાની સાથે મહત્વના ખાતા પણ ગુજરાતને મળે તે વાત લગભગ નિશ્ચિત છે.

રાજ્યમાં છ લોકસભા બેઠકો મહેસાણા, જામનગર (પૂનમ માડમ), ભાવનગર(ભારતી શિયાળ), વડોદરા (રંજન ભટ્ટ), છોટા ઉદેપુર(ગીતા રાઠવા) અને સુરત (દર્શના જરદોષ)માં ભાજપના મહિલા સાંસદો ચૂંટાઈ આવ્યા છે, જેમાંથી પણ કોઇ એકને મંત્રી પદ મળી શકવાની શક્યતા નકારી શકાતી નથી.

Previous articleગ્રેસીંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ નહિં આપવા રજુઆત
Next articleશામળાજી હાઇવે પર ટ્રકમાં આગ લાગતાં ટ્રક બળીને ખાખ, ચાલકનો બચાવ