શપથવિધિ પૂર્વે મોદી અને શાહ ગુજરાતની મુલાકાતે આવી શકે

897

મોદી સરકારની શપથવિધિ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાત લે તેવી પ્રબળ શકયતા છે. જેમાં વડાપ્રધાન મોદી નવેસરથી પીએમ તરીકે શપથ લે તે પહેલાં અને નવી સરકારની શપથવિધિ પહેલાં માતા હીરા બાના ગાંધીનગર ખાતે આશીર્વાદ લેવા આવે તેવી શકયતા છે. તો, તેમની સાથે અમિત શાહ પણ ગુજરાતની જનતાનો વિશેષ આભાર માનવા અહીં આવે તેવી શકયતા છે. બીજીબાજુ, ગુજરાતમાંથી ચૂંટાયેલા તમામ ૨૬ સાંસદો આવતીકાલ સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે. તે પહેલા સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપના ચાર ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રાજીનામા આપી દેશે. સંભવત : તા.૨૯મી મે ના રોજ ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને એકસાથે ગુજરાત આવી શકે છે. ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર ચાલુ ધારાસભ્યોને સાંસદ તરીકેની ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પરથી પરબત પટેલ, પાટણની ખેરાલું બેઠક પરથી ભરતસિંહ ડાભી, અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી હસમુખ પટેલ અને પંચમહાલની લુણાવાડા બેઠક પરથી રતનસિંહ રાઠોડને ટિકિટ આપી હતી. આ ચારેય ધારાસભ્યો લોકસભામાં વિજયી થતા હવે તેઓ વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે અને સાંસદ તરીકે શપથ લેશે. આવતીકાલે તમામ ૨૬ સાંસદો દિલ્હી ખાતે યોજાનારી સંસદીય બેઠકમાં ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત આવશે. નારણપુરા વિસ્તારમાં એક વિશાળ જનસભાને સંબોધી મતદાતાઓનો આભાર માનશે. શપથવિધિ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાત આવી શકે છે. અને ગાંધીનગર ખાતે માતા હીરાબાના આશીર્વાદ લઈ શકે છે. આમ બંને દિગ્ગજ નેતાઓ શપથવિધિ પહેલા ગુજરાત આવે તેવી શક્યતા પ્રબળ બની છે. બીજીબાજુ, વડાપ્રધાન મોદી અને અમિત શાહની મુલાકાતને લઇ ભાજપ અને ગુજરાતની જનતામાં પણ ઉત્સાહની લાગણી ફેલાઇ છે.

Previous articleએમપી : કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા
Next articleચૂંટણી પરિણામોમાં ફરી નોટાનો દબદબો યથાવત