૮૦ દિવસ પહેલાં લેવાયેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ ૨૫મી, શનિવારના રોજ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરાશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપતા જિલ્લાના રિપીટર અને નિયમિત ૧૪૯૭૦ વિદ્યાર્થીઓનું ભાવી ખુલશે. કોમર્સ અને આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશનો ધમધમાટ શરૂ થશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઇને આતુરતા વધી ગઇ હતી. ત્યારે શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા ૮૦ દિવસ બાદ આવતા તારીખ ૨૫મી, શનિવારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું બોર્ડ પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરાશે. વિદ્યાર્થીઓને ઝડપી પરિણામ મળી શકે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૮ કલાકે બોર્ડની વેબાસાઇટ ઉપર પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવશે. જિલ્લાના રિપીટર અને નિયમિત ૧૪૯૭૦ વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હોવાથી તેમના ભાવીના દ્વાર ખુલશે. પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોમર્સ, સામાન્ય પ્રવાહના પ્રથમ વર્ષમાં પ્રવેશની કાર્યવાહી યુનિવર્સિટીઓ દ્વારા હાથ ધરાશે. સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પણ પરિણામ પ્રસિદ્ધ કરાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની સાથે સાથે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓને માર્કશીટ શાળાઓમાંથી બપોરે ૧૨ કલાક બાદ મળી શકશે.