ગુજરાતના બધા મોટા શહેરોમાં ટ્યુશન ક્લાસીસ તરત બંધ થયા

870

સુરત ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનામાં ૧૯ બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હચમચી ઉઠી છે. તાત્કાલિક ધોરણે આક્રમક અને કઠોર પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ મોટા શહેરોમાં ટ્યુશન ક્લાસીસમાં તપાસનો દોર શરૂ થઈ ગયો છે. એનઓસી હશે તેવા ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરવામાં આવશે. બીજી બાજુ ફાયર સેફ્ટીની સુવિધા નહીં ધરાવનારને નોટિસ ફટકારવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં ફાયર સેફ્ટી અને એનઓસીની ચકાસણી ન થાય ત્યા સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત તમામ મોટા શહેરોમાં આદેશો જારી કરવામાં આવ્યા છે. સંબંધિત વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ થઈ ચુક્યો છે. અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યાછે. આ ઉપરાંત સુરક્ષા પાસાઓને ધ્યાનમાં લઈને ડાન્સ ક્લાસીસ, ખાનગી ટ્યુશનની સંસ્થાઓ, સમર કેમ્પમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવશે. સુરત આગની દુર્ઘટના બાદ અમદાવાદ સહિત રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અમદાવાદ શહેરમાં જે ખાનગી ટયુશન કલાસીસ કે કલાસીસમાં ફાયરસેફ્ટીની સુવિધાની ખરાઇ કે તપાસ નહી થાય ત્યાં સુધી આવા તમામ કલાસીસ બંધ રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ બહુ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય આજે જાહેર કર્યો છે. જેને પગલે અમદાવાદ શહેરના તમામ ખાનગી કલાસીસમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. હવે આવતીકાલથી અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ખાનગી ટયુશન કલાસીસ અને કલાસીસમાં ફાયરસેફ્ટીની સુવિધા અને તેમાં કોઇ ગેરકાયદે બાંધકામ કે કોઇ ફેરફાર છે કે નહી તે તમામ બાબતોની તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવશે.

જો ફાયરસેફ્ટીની એનઓસી કે સુવિધા નહી હોય તો આવા તમામ ટયુશન કલાસીસ અને કલાસીસ ચાલુ કરી શકાશે નહી. જયાં સુધી આવા ટયુશન કલાસીસ અને કલાસીસ ફાયરસેફ્ટીની સુવિધા કે એનઓસી નહી લઇ લે ત્યાં સુધી આ કલાસીસ ચાલુ નહી કરી શકાય. મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણયને પગલે હવે અમદાવાદ શહેરના તમામ ખાનગી સંચાલકો અને ટયુશન કલાસીસવાળા દોડતા થઇ ગયા છે અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. અમ્યુકો તંત્ર દ્વારા ખાસ કરીને ફાયરબ્રિગેડના અધિકારીઓની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફાયરસેફ્ટીની સુવિધા, એનઓસી, ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દાઓની તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને જો તેમાં જે કોઇ કસૂરવાર હશે તો તેઓને ટયુશન કલાસીસ કે કલાસીસ ચલાવવાની પરવાનગી અપાશે નહી અને તેઓની વિરૂદ્ધ આકરા પગલાં લેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આ મહત્વના નિર્ણય બાદ હવે રાજયના વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં પણ આ પ્રકારે નિર્ણયની અમલવારી  થાય તેવી માંગણી ગુજરાત વાલીમંડળ અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી હતી. દરમ્યાન શહેરના ઝોન-૫ના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ પણ સુરતની આગની દુર્ઘટના બાદ લોકોને ફાયરસેફ્ટીની સુવિધા વિના ચાલતાં ટયુશન કલાસીસની જાણકારી આપવા લોકોને અપીલ કરી હતી. તો, મોડી સાંજે રાજકોટમાં ટયુશન કલાસીસ પર ફાયરબ્રિગેડ દ્વારા તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Previous articleધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું શનિવારે પરિણામઃ ૧૪૯૭૦ છાત્રોનું ભાવિ ખૂલશે
Next articleમુંબઈના સંત મધુસુધનબાપુની ત્રિદિવસીય હરિકથાનું આયોજન