રાજુલા અને જાફરાબાદ ખાતે તોલમાપ અધિકારીની જો હુકમીનાં કારણે પેટ્રોલપંપ માલિકોમાં ભારે રોષ ફેલાયો છે. અને અધિકારી વિરૂદ્ધ ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી તોલમાપ અધિકારી રાજુલા-જાફરાબાદ ખાતે પેટ્રોલ પંપની તપાસ અર્થે આવે છે. અને તેને જો હપ્તા સ્વરૂપે નાણાં ન આપવામાં આવે તો બરોબર હોવા છતાં પેટ્રોલ પંપ સીલ કરી દેવામાં આવેલ છે. જો તેમનું સમજાય જાય તો યોગ્ય ન હોવા છતાં નો ઓબ્જેક્શન સર્ટી આપી દેવામાં આવતું હોવાનું રાજુલા સીટી પેટ્રોલ પંપના સંચાલકે લોકસંસારના પ્રતિનિધિ અમરૂભાઇ બારોટને જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે અધિકારીનું સમજ્યા નહીં તેથી તેમનાં એક પંપને સીલ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે અમરેલી તથા ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
રાજુલા – જાફરાબાદમાં પેટ્રોલ પંપોમાં અધિકારીઓને સાચવવા માટે ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપવામાં આવતું હોવાની વાહન ચાલકોમાં ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે અધિકારી અને પેટ્રોલ પંપ સંચાલકોની લડાઇમાં જનતા લૂંટાઇ રહી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ગાંધીનગર ખાતે રજૂઆત કરાયા બાદ હવે અધિકારી સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.