મલ્લિકા શેરાવતને છેલ્લા કેટલાક સમયથી કોઇ નવી ફિલ્મો હાથમાં આવી રહી નથી. હાલમાં કાન ફિલ્મ ફેસ્ટીવલમાં પણ ભાગ લેવા માટે પહોંચી હતી. મલ્લિકાએ તમામનુ ધ્યાન પણ ખેચ્યુ હતુ. મલ્લિકા બોલિવુડમાં એક એવી અભિનેત્રી પૈકી એક છે જે અભિનેત્રીએ હિન્દી ફિલ્મોમાં હોટનેસ અને બોલ્ડનેસને લઇને નવા માપદંડ ઉભા કર્યા હતા. મર્ડર જેવી ફિલ્મ મારફતે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોરદારરીતે લોકપ્રિય થઇ ગઇ હતી. હાલના સમયમાં તે ફિલ્મોમાં ભલે રજૂ થઇ રહી નથી પરંતુ ચર્ચામાં તે હમેંશા રહે છે. તેના સોશિયલ મિડિયા એકાઉન્ટને જોઇને જાણી શકાય છે કે તે આજે પણ વિદેશમાં થનાર સોશિયલ ઇવેન્ટના કાર્યક્રમમાં સતત હાજરી આપતી રહે છે. મલ્લિકા શેરાવતનમો જન્મ ૨૪મી ઓક્ટોબરના દિવસે ૧૯૭૬માં થયો હતો. તેનુ અસલી નામ રીમા લાંબા છે. રોહતકમાં અભ્યાસ કર્યા બાદ તે વધુ અભ્યાસ કરવા માટે દિલ્હીની પ્રસિદ્ધ મિરાન્ડા કોલેજમાં પહોંચી હતી. મલ્લિકાના પિતાનુ નામ મુકેશ કુમાર લાંબા છે. મલ્લિકાએ જ્યારે તેનુ નામ બદલ્યુ ત્યારે સરનેમ પણ બદલી નાંખ્યુ હતુ. શેરાવત તેની માતાના લગ્ન પહેલા સરનેમ લાગતી હતી. જેના કારણે મલ્લિકાએ આ સરનેમ લગાવી હતી. ઇન્ડ્સ્ટ્રીઝમાં આવતા પહેલા જ તેના લગ્ન થઇ ગયા હતા. જો કે તે અંગે ખુલાસો ખુબ વર્ષો બાદ થયો હતો. જાણકારી મુજબ મલ્લિકા શેરાવતના લગ્ન દિલ્હીના નિવાસી કરણ સિંહ ગિલ સાથે થઇ ગયા હતા. જે પાયલોટ હતા. જો કે મલ્લિકાના બોલિવુડમાં પ્રવેશ કરવાથી તેમની વચ્ચે તિરાડ પડી હતી. જેથી બંને અલગ થઇ ગયા હતા. ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરતા પહેલા મલ્લિકાએ એડ વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. તે અમિતાભ બચ્ચનથી લઇને શાહરૂખ ખાન સહિતના તમામ કલાકરો સાથે કામ કરી ગઇ હતી. આની સાથે જ તે મોડલિંગની દુનિયામાં એક્ટિવ થઇ ગઇ હતી. તે કેટલાક મ્યુઝિક વિડિયોમાં નજરે પડી હતી. ફિલ્મોમાં તેમની ભૂમિકાને લઇને હમેંશા ચર્ચા રહી હતી. તે પ્રથમ વખત કરીના કપુર, તુષાર કપુુર સાથેની ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેમાં નજરે પડી હતી. જેમાં તેમનુ નામ રીમા લાંબા રાખવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તે વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ ખ્વાઇશમાં નજરે પડી હતી. જેમાં તેના કિસિંગ સીનની ભારે ચર્ચા રહી હતી. જો કે તેને ઓળખ વર્ષ ૨૦૦૪માં આવેલી મર્ડર ફિલ્મ મારફતે મળી હતી. જેમાં ઇમરાન હાશ્મીની સાથે તેના બોલ્ડ સીનની ભારે ચર્ચા જોવા મળી હતી. સાથે સાથે બોલ્ડ સીનની પ્રશંસા પણ થઇ હતી. આ ફિલ્મ બોલ્ડ હોવા છતાં સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઇ ગઇ હતી. તે હોલિવુડમાં પણ કામ કરી ચુકી છે. ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચાનની સાથે તે મિત નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકા નાની હતી પરંતુ ફિલ્મના કારણે તે ઇન્ટરનેશનલ સ્ટાર બની ગઇ હતી. મલ્લિકા શેરાવતને લોકપ્રિય પ્લેબોય મેગેઝિનના કવર પર આવવા માટેની પણ ઓફર મળી હતી. જો કે આનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. તેને એવી દહેશત હતી કે પ્લેબોયમાં આવ્યા બાદ તે બોલિવુડમાં તેની ઓળખ ગુમાવી દેશે. તે શાકાહારી છે. અને શાકાહારી ભોજનને પ્રમોટ કરી રહી છે. તે પોતાને ફિટ અને સ્લીમ રાખવા માટે અનેક પ્રકારની કસરત કરે છે. આજ કારણસર તે ૪૨ વર્ષની થઇ હોવા છતાં સંપૂર્ણ ફિટ અને બોલ્ડ દેખાય છે.