ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી રોમાંચક વાતાવરણમાં શરૂઆત થઇ રહી છે. આ વખતે મહિલા અને પુરૂષ વર્ગમાં કોણ મેદાન મારશે તેની ચર્ચા છે. કરોડો ટેનિસ ચાહકોને હવે ૯મી જૂન સુધી ભારે રોમાંચની સ્થિતિ જોવા મળશે. ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફ્રેન્ચ ઓપનની આ ૧૨૩મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૪૨૬૬૧૦૦૦ યુરોનો છે.
ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે અને વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ તરીકે તેને ગણવામાં આવે છે. ફ્રેન્ચ ઓપનમાં દર વર્ષે સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, જુનિયર, વ્હીલચેર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ક્લે કોર્ટ પર રમાતી આ સ્પર્ધાનું ખાસ મહત્વ રહેલું છે. વર્તમાન ચેમ્પિયનમાં પુરૂષ વર્ગમાં રાફેલ નડાલ અને મહિલા વર્ગમાં સિમોના હેલેપ છે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે. ગયા વર્ષ કરતા આ વખતે ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરાયો છે.