સુરત અગ્નિકાંડ મામલે ટયુશન કલાસીસના સંચાલકની ધરપકડ

875

સુરત અગ્નિકાંડના બનાવમાં આખરે કોચિંગ ક્લાસના માલિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં તેમની સામે વધુ કાર્યવાહી થશે. શહેર પોલીસ ક્રાઈમ બ્રાંચે માલિકની ધરપકડ આજે કરી હતી. આરોપીની સાથે સાથે અન્ય બે ડેવલપર સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાત સહિત દેશભરમાં ભારે હાહાકાર અને અરેરાટી મચાવનારા સુરત આગકાંડમાં આખરે સુરત પોલીસ દ્વારા વિધિવત્‌ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત પોલીસે ગઇ મોડી રાત્રે આ કેસમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણી, કોમ્પલેક્ષના બિલ્ડર હસમુખ વેકરિયા અને જીગ્નેશ પાલઘર સામે ફરિયાદ નોંધી હતી અને કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી લીધી હતી. સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે.

આ જ ભાર્ગવ બુટાણીએ દુર્ઘટના વખતે ઉપરથી લટકીને પછી અન્ય બે વિદ્યાર્થીઓને બચાવી લીધા હતાં. બાદમાં ફાયરબ્રિગેડની ક્રેઈન દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને નીચે ઉતારીને પોતે નીચે ઉતર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપીએ પણ બચાવનાર ભાર્ગવ હોવાનું કહ્યું હતું. સોશિયલ મીડિયામાં જીવ બચાવનાર યુવકના વાયરલ થઈ રહેલા વીડિયો અને પકડાયેલા ભાર્ગવ અંગે એસીપી સરવૈયાએ જણાવ્યું હતું કે, ભાર્ગવે પોલીસ તપાસમાં કબુલ્યું હતું કે, તેણે જીવને જોખમમાં મુકીને બે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. ઉર્મિ વેકરિયા નામની વિદ્યાર્થીનીએ પણ તેમને બે જણાંને ભાર્ગવ સરે બચાવ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, ફાયરસેફ્ટીની સુવિધા વિના ટયુશન કલાસીસ ચલાવવા બદલ અને ૨૩ વિદ્યાર્થીઓના મોત માટે ભાર્ગવ બુટાણીની પણ જવાબદારી બનતાં પોલીસે તેની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી હતી. જો કે, હજુ આરોપી બિલ્ડર હસમુખ વેકરિયા અને અન્ય જીગ્નેશ પાલઘર હજુ નાસતા ફરતા હોઇ સુરત પોલીસે તેઓને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓનો મૃત્યુઆંક ૨૩ નો થયો છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખો દેશ સ્તબ્ધ છે.  સમગ્ર ઘટનામાં ગઈકાલની સાંજ બાદનો દિવસ ગોઝારો બની ગયો છે, ત્યારે સુરતીઓએ સંયમ, સહકાર અને સંવેદનશીલતાથી મૃતક અને ઘાયલ બાળકોના પરિવારજનોને સધિયારો આપ્યો હતો. તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલોડ થતાં આગ ભડકી હતી જેમાં જોત જોતામાં આખુ બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્‌યા હતાં, આમ આખી હોનારત સર્જાઇ હતી પરંતુ તે માનવસર્જિત હતી તે બહુ આઘાતજનક વાત સામે આવી હતી. સુરત શહેરમાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગવાની ઘટનામાં જો કોઈ જવાબદાર હોય અને જેમની પર સૌથી વધુ ફિટકાર વરસી રહ્યો હોય તો તે છે સુરત મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ અને બિલ્ડર. સમગ્ર દુર્ઘટનાની તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, સુરતનો અગ્નિકાંડ સર્જાયો તે તક્ષશિલા આર્કેડ કોમ્પલેક્ષના ઉપરના બંને માળ ગેરકાયદેસર હતા. આ ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ પાછળથી હમણાં બે વર્ષ પહેલા જ મંજૂર કરાવવામાં આવ્યું હતું. ટેરેસ પર આટલુ મોટુ ગેરકાયદે બાંધકામ કરી દેવાયું ત્યાં સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા અને તેમના ભ્રષ્ટાચારને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વરાછા-પુણા ઝોનના એડિશનલ સિટી ઈજનેર ડી.સી.ગાંધીએ ઘટના અંગે જણાવ્યું હતું કે, એફપી-૧ ટીપી સ્કીમ-૨૨ સરથાણાની આ મિલકત ભોલેનાથ શોપિંગ સેન્ટર અને તક્ષશિલા આર્કેડ તરીકે ઓળખાઈ છે. જેનું બાંધકામ ગેરકાયદેસર હતું, ૨૦૦૭માં પ્રથમ માળ બનાવ્યો હતો. ૨૦૧૦માં બીજો અને ત્રીજો માળ ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ મંજુરી મળી હતી. મોટા ભાગે મોટા માથાં બચી જ જતા હોય છે ત્યારે જોવાનું રહ્યું કે આ કિસ્સામાં સરકાર અને વહીવટી અધિકારીઓ કેવાં આકરાં પગલાં ભરે છે. આ બિલ્ડિંગમાં ત્રીજો માળ આખેઆખો ગેરકાયદે છે. જ્યાં ટ્યુશન ક્લાસીસ, ગરબા ક્લાસીસ, મેજિક જિમ અને માઇન્ડ ગેઇમ હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા અહીં મોટા પ્રમાણમાં હતી. આગ લાગવાની ઘટનામાં સુરત મનપાની કચેરીના કેટલાક સંબંધિત અધિકારીઓનો ભ્રષ્ટાચાર પણ સપાટી પર આવ્યો છે. આખેઆખો માળ ગેરકાયદે બાંધી દેવા છતાં કોઇનું ધ્યાન કેમ ન ગયું? બિલ્ડરે પણ આ રીતે ગેરકાયદે બાંધકામ કરવાની હિંમત કેમ કરી? કોણે ભ્રષ્ટાચાર કર્યો ? એ મુદ્દે પણ તપાસ થવી જરૂરી છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વિદ્યાર્થીઓ સહિત લોકો આગથી પોતાનો જીવ બચાવવા જ્યારે બિલ્ડિંગ પરથી કૂદી રહ્યા હતા તે વખતે ફાયર બ્રિગેડ પાસે જાળીની સુવિધા સુધ્ધાં નહી હોવાની શરમજનક વાત સામે આવી હતી. સુરત જેવા મોટા શહેરમાં ફાયરબ્રિગેડ તંત્ર પાસે પૂરતા સાધન સુવિધા નહી હોવાની વાતનો પર્દાફાશ થતાં હવે સુરત મનપા તંત્ર પર પણ ફિટકાર વરસી રહ્યો છે.

Previous articleજિલ્લામાં ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તંત્રની બેઠક મળી
Next articleસુરત અગ્નિકાંડ : ૧૯ છાત્રના એક સાથે અગ્નિસંસ્કાર કરાયા