સુરત અગ્નિકાંડની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા તમામ બાળકોના સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અંતિમ સંસ્કાર વેળા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ૧૯ બાળકોના મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર ગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકોના આંખમાં આસુ આવી ગયા હતા. ભારે ભાવનાશીલ દ્રશ્યો સર્જાયા હતા. એકસાથે ૧૯થી વધુ બાળકોની અર્થીઓ ઉઠતાં આખુ સુરત હીબકે ચઢયું હતું. બાળકોની અંતિમયાત્રામાં સુરતના હજારો નાગરિકો સ્વયંભુ જોડાયા હતા. બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે મૃતકોના પરિવારજનોની સાથે સાથે સામાન્ય લોકોની આંખમાંથી આંસુ સરી પડયા હતા. સાથે સાથે સુરત મનપા સહિતના જવાબદારો સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. ગઇકાલે સુરતમાં બનેલા અગ્નિકાંડને પગલે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આ અગ્નિકાંડના ૨૩ હતભાગી બાળકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, ત્યારે આજે ૨૩માંથી ૧૯ બાળકોની એક સાથે અર્થી ઉઠતાં આખુ સુરત જાણે હીબકે ચડ્યું હતું અને કોણ કોને છાના રાખે એવી સ્થિતિ ઉભી થઈ હતી. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો, સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આ ઘટનાનો આઘાત કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે એવો હતો. જ્યાં ખાદીની માનવતા મરી પરવારી હતી ત્યાં સુરતીઓની સંવેદનશીલતા આજે જોવા મળી હતી.
રાજકારણીઓ માત્ર અને માત્ર સાંત્વના આપીને રવાના થઈ ગયા હતા ત્યારે ગઈકાલ સાંજથી આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઉભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતી લાલાઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.