મોદી ભાજપ-એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઇ આવ્યા

656

સંસદના સેન્ટ્રલ હોલમાં આજે નરેન્દ્ર મોદીની વિધિવતરીતે ભાજપ અને એનડીએના સંસદીય પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ટાળીઓ વચ્ચે અને મોદી મોદીના નારા વચ્ચે પહેલા મોદી ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે અને ત્યારબાદ એનડીએના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા. સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. સાંજે પાંચ વાગ્યાથી પહેલા જ ભાજપના તમામ ચૂંટાયેલા સાંસદ, મોટા નેતા, એનડીએના નેતા સેન્ટ્રલ હોલમાં પહોંચી ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે આશરે પાંચ વાગે નરેન્દ્ર મોદી સેન્ટ્રલ હોલ પહોંચ્યા હતા. સીડી ઉપરભાજપ પ્રમુખ અમિત શાહ અને રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. મોદીના આવ્યા બાદ વંદે માતરમની ધૂન સાથે ભાજપ સંસદીય દળની ઔપચારિક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રગીત બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારબાદ તમામ સભ્યોએ તેનું સ્વાગત કર્યું હતું. પ્રસ્તાવને ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ ટેકો આપ્યો હતો.

ત્યારબાદ ભાજપના તમામ ચૂંટાયેલા સંસદ સભ્યોએ હાથ ઉઠાવીને મોદીના નારા વચ્ચે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ભાજપ પ્રમુખ અમિત શાહે સર્વસંમતિથી મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ભાજપના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદીને એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. શિરોમણી અકાળી દળના સ્થાપક પ્રકાશસિંહ બાદલે મોદીએ એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટી કાઢવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવના સમર્થનમાં જેડીયુના નીતિશકુમાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, એલજેપીના રામવિલાસ પાસવાન, અન્નાદ્રમુક તરફથી પલાનીસામી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયો પણ સમર્થનમાં આગળ આવ્યા હતા. અન્યો પક્ષોએ પત્ર લખીને સમર્થન કર્યું હતું. અમિત શાહે મોદી મોદીના નારા વચ્ચે સર્વસંતિથી એનડીએના નેતા ચૂંટી કાઢવાની જાહેરાત કરી હતી. ૩૫૩ સંસદ સભ્યોના નેતા તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાઈ આવ્યા છે. ત્યારપછી મોદીએ એનડીએના વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ લીધા હતા જેમાં લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ થાય છે. જોશીને પણ ઉત્સાહપૂર્વક મળ્યા હતા. મંચ ઉપર મોદીની સાથે એનડીએના તમામ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના તમામ ચૂંટાયેલા ૩૦૨ સાંસદો ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમનોજે શિલા દીક્ષિતના આશીર્વાદ લીધા
Next articleબંગાળમાં મમતાની મુશ્કેલી ટૂંક સમયમાં વધવાના સંકેતો