લોકસભાની ચૂંટણીમાં સળંગ બીજી વખત હાર મળ્યા બાદ દિલ્હીમાં શનિવારે કોંગ્રેસ કારોબારી બેઠક મળી હતી. પરાજયની જવાબદારી સ્વિકારતા કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. જોકે કારોબારીના સભ્યોએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું હતું. આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંઘ, ગુલામનબી આઝાદ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ મીટિંગમાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં ખામીઓથી લઈને નેતૃત્વ ઉપર ચર્ચા થઈ હતી. વર્કિંગ કમિટીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ કહ્યું હતું કે, હાર-જીત ચાલતી રહે છે, રાજીનામાની જરૂરિયાત નથી.
ઝ્રઉઝ્રની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ૨૦૧૯ના જનાદેશનો સ્વીકાર કરે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે. બેઠકમાં રાહુલ ગાંધીના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ એક સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે. કોંગ્રેસ વિભાજન કરનારી પાર્ટીઓ સામે લડવા તૈયાર છે. પાર્ટીમાં બદલાવ માટે રાહુલ ગાંધીને તમામ અધિકાર છે. કોંગ્રેસ ચૂંટણી હારી છે, પણ અમે જનતાની લડાઈ લડતાં રહીશું.
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ મોદી લહેર બાદ કોંગ્રેસ પાર્ટીને ફક્ત ૫૨ સીટો મળી હતી. કોંગ્રેસ પાર્ટીની હાર થતાં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી તેના પર મહામંથન ચાલ્યું હતું. આ સમયે રાહુલ ગાંધીએ હારની જવાબદારી લેતાં રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને ફગાવી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસના ત્રણ રાજ્યો કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના પ્રદેશ અધ્યક્ષોએ પણ હાર બાદ રાજીનામા આપ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.