શિક્ષણની જાગૃતિએ રવાન્ડાને વિશ્વની સાંસ્કૃતિક મુખ્ય ધારામાં જોડયા છે…

740

હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ ’ “ગુમનામ” નું શૈલેન્દ્રજીનું ગીત રવાંડાની પ્રજાને બરાબર બંધ બેસે છે.તમને ત્યાં લગભગ તમામ લોકો ફ્લાઈંગ સ્માઇલ કરતાં જોવા મળે છે. એનો પહેલો અનુભવ મને રવાન્ડએરની હવાઈચારિકાની ઓળખથી થયો.આ પ્રજા છે તો માંસાહારી પરંતુ તો પણ આટલી શાલીન કેમ એવો પ્રશ્ન જરૂર થાય.

રવાન્ડા અને તેની આસપાસના દેશોમાં પણ યુગોથી જંગલપેદાશ ઉપર સૌ કોઈ નિર્ભર હતા. કદાચ આજે પણ છે.લગભગ વનવાસીઓ વનસંપદાઓનો ઉપભોગ તે તેમના નિર્વાહનું માધ્યમ છે.જે અહીં પણ લાગુ પડે છે. ત્વા,હુતુ અને તુત્સી જાતિના આદિવાસીઓની વસ્તી અહીં મુખ્ય છે. તુત્સી જાતી લઘુમતીમાં છે પરંતુ તે ઉંચાઈમાં મોટા તથા ખડતલ છે. તેથી તેને લાંબા કહે છે.જ્યારે હુતુ થોડાક કદમાં પ્રમાણસર છે તેથી તેને ટૂંકા તરીકે ઓળખવામાં આવે છે.

શિક્ષણ જાગૃતિએ તેને વિશ્વની સાંસ્કૃતિક મુખ્ય ધારામાં જોડ્યા છે.સ્ત્રી-પુરુષો બધાના વાળ કાળાં, એકદમ વાંકડિયા,ટુંકા પણ એટલા જ છે.સ્ત્રીઓ પોતાના વાળને લાંબા કરવા માટે કુત્રિમ વાળની ગૂંથણી કરાવે છે.સલુનકારો નાના વાળની સેર કરી તેની સાથે કુત્રિમ વાળને જોડે તેની લાંબી લાંબી સેર બનાવે છે.ગુથાયેલી સેરને આપસ આપસમાં જોડે છે.ઘણા તેમાં વિવિધ પ્રકારની પીનો પણ નાંખે છે.આ કારીગરીના હેરડ્રેસરના રવાન્ડિયન ૩૦૦૦ ફ્રાન્ક થાય છે. બઘાંના માંસલ શરીરને કારણે હોઠ, પગ,ખભા વગેરેમાં ચરબીનું પ્રમાણ ખાસ્સુ છે. ક્યાંક સ્ત્રી-પુરુષોનો રંગ થોડો શ્યામ જરૂર લાગે. ગામડાંના પુરુષો અંગરખું, કછોટો ધારણ કરે છે.સ્ત્રીઓ પણ સાડી બ્લાઉઝ,ચણિયો એવો સાદો પોશાક પહેરે છે.ગાય, જંગલી પશુપક્ષીઓનું તે માંસ ખાય છે. હમણાં સુધી તે કાચું માંસ ખાનાર હતા. હવે તેના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કોસ્મેટિક્સનો ઉપયોગ ખૂબ વધારે કરે છે. ઘણી બધી સ્ત્રીઓને મેં આખા શરીરે કંઈક તેલ જેવું પ્રવાહી લગાવીને નીકળેલી જોઈ. રસ્તા ઉપર તે ઝગમગતી,તગમગતી લાગે.સ્ત્રીઓ તેના બાળકોને પીઠ પાછળ સાડીમાં બાંધીને પોતાનું કામ કરે છે. તેની ભાષા કિનિયારવાન્ડિયન છે. તે રવાન્ડામાં બોલાય છે પરંતુ બાજુના દેશ કેન્યામાં સુવાલી ભાષાનો ઉપયોગ થાય છે.તે કેન્યા રવાન્ડિયનને મળતી આવે છે.કેન્યાના રીટાબેને કહ્યું.”’પાન્ગા ગાપી ’એટલે કેટલાં પૈસા.’મગાના તાન્દા તુ’ એટલે ૬૦૦ફ્રાન્ક.’મગાના રીંગલી ’એટલે ૭૦૦ ફ્રાન્ક.”

ગ્રામજગત નાનાં નાનાં ખેતરો, ટેકરીઓમાં વહેંચાયેલું છે. જ્યાં પોતાનું નાનકડું ખેતર ત્યાં જ તેનું એક માટીનું બનાવેલું નાનકડું ઘર હોય. જેમાં વાંસને ઊભા-આડા બાંધી દેવામાં આવ્યાં છે વચ્ચેનાં ભાગમાં ગારા- માટીને ચાંદીને પેક કરી દેવાય. એટલે તેની ચારે બાજુ દિવાલ થઈ જાય. છત ઉપર હવે પતરાં મુકાય છે. અન્યથા તે ઘાસ, પશુના ચામડાથી ઘરને ઢાંકી દેવામાં આવતું. અમે એક ગામડામાં  વાલ્કાનોઝ અભયારણ્યમાં જતાં એક ઘરની મુલાકાત લીધી.થોડા બટેટા પડેલાં, થોડું રાચરચીલું,વાસણ એક ચૂલો બસ પુરું. આ મકાન લગભગ ઢોળાવમાં હોય છે. જેથી પાણી આવે તો પણ તે ઘરમાં ટકી રહેતું નથી, કારણ કે અહીં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે.

ખેતી ઢોળાવ ઉપર નાનકડાં સ્ટેપમાં થાય છે. જેમાં મકાઈ, જુવાર, કેળા, બટેટા વગેરેનો પાક લેવામાં આવે છે. ધાન્ય પાકો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.કેળા,બટેટા,શાકભાજીને નજીકનાં માર્કેટમાં વેચી નાખે છે. સાઈકલ પર આવી ચીજ-વસ્તુઓનો વહન કરતાં લોકોને અમે જોયાં. બળદ કે અન્ય કોઈ સાધનો આજે પણ ત્યાં ઉપયોગ થતો જણાયો નથી. એટલે તેની ખેતી આજે પણ પ્રાથમિક અવસ્થામાં છે તેમજ ગણાય. તેનું ઉત્પાદન ખૂબ મર્યાદિત હશે.ભણેલા,મજૂર લોકો નાના નગરોમાં કામ કરવા માટે પહોંચી જાય છે જંતુનાશક દવાઓ કે આધુનિક બિયારણોનો ઉપયોગ જોવા ન મળ્યો.

જર્મન, ફ્રેન્ચ વગેરે યુરોપિયનોએ આ ખંડના વિવિધ ભાગો પર પોતાની સત્તા જમાવી હતી. કાળક્રમે આ સતાનુ તેમની એકબીજા વચ્ચે હસ્તાંતર પણ થતું રહ્યું .છતાં એમાંથી એક વાત નક્કી કે તેમનો ધર્મ ખ્રિસ્તી હતો. માટે સૌ કોઈને એમણે ખ્રિસ્તીઓના અનુયાયીઓ બનાવ્યાં. ત્યાંના લોકોના નામો પણ તેને મળતાં આવે છે. લગભગ તમામ ગામડાં કે કસ્બામાં થોડા અંતરે એક ચર્ચ જોવા મળે. તે આપણા મોટાં ગોડાઉન જેવાં હોય તેમાં લોકો રજાના દિવસે એકત્રિત થાય .ધાર્મિક પ્રવૃત્તિ ની સાથે-સાથે પોતાની સાંસ્કૃતિકતાની પણ મજા માણતાં હોયછે.ધાર્મિક રૂઢિચુસ્તતા કે અંધશ્રદ્ધાઓ ખાસ ડોકા કાઢતી નથી.લગ્નોની પ્રથામાં સંપૂર્ણ લચીલાપણું,સ્વતંત્રતા છે. બધા પોતપોતાના તડાં કે ગોળમાં તેને ગોઠવે છે.પ્રતિકૂળતાઓમાં તે છુટાં પડે અને અન્યની સાથે પૂનઃલગ્નથી જોડાઈ જાય. યોગેશભાઈ જોશીના કહેવા મુજબ જાતીય સંબંધોમાં કોઈ ખાસ સીમારેખા નથી.સૌ પોતપોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકે છે .પરંતુ તેમાં કોઈ બળજબરી કે મજબૂરીને અવકાશ નથી. જો આવું થાય તો કાયદો પેશ આવે છે.

તહેવારોમાં લોકો ઢોલ કૃત્ય,તૂમાર કૃત્ય કરે છે. પ્રજામાં ખાસ બીજા વ્યસનો નથી. પરંતુ એ પોતાની જાતે બનાવેલો દારૂ વધારે પ્રમાણમાં સેવન કરે છે. માટે તેમનું સ્વાસ્થ્ય અને સરેરાશ આયુષ્ય વધારે નથી. પરિવાર નિયોજન નો વિચાર અહીં સુધી પહોંચ્યો નથી, દરેકના ઘરમાં વસ્તી ખાસ્સી છે.

મોજ ,મસ્તી, મશગુલ થઈને કેવી રીતે જીવી શકાય તે તો રવાન્ડિયનો પાસેથી જ શીખવું પડે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગઢડામાં લાઇટનાં અજવાળે જુગાર રમતા અડધો ડઝન શકુની ઝડપાયા