બોલિવૂડ ડિરેક્ટર મહેશ ભટ્ટ પોતાના વિચારોને ખુલ્લા મનથી વ્યક્ત કરવા માટે જાણીતા છે. આટલું જ નહીં એક ઈન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે જ્યાં સુધી પીએમ મોદી આરએસએસની વિચારધારા સાથે છે, ત્યા સુધી તેઓ તેમની તે વિચારધારાનો વિરોધ કરશે. કારણ કે આરએસએસ ક્યાંકને ક્યાંક ભારતની સેક્યુલર ઈમેજ તથા અનેકતામાં એકતાવાળી વિચારધારા માટે સંકટરૂપ છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બુહમતી મળી છે. આ શાનદાર જીત બાદ મહેશ ભટ્ટે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટર રાણા અયુબનો એક આર્ટિકલ શૅર કર્યો હતો. આ આર્ટિકલનું ટાઈટલ હતું, એ ચૂંટણી જેને કારણે કરોડો લોકો ડરના માહોલમાં છે. આ આર્ટિકલમાં રાણાએ સ્પષ્ટ કર્યું છે કે એનઆરસી પોલિસી, ભીડ દ્વારા ગૌરક્ષાના નામ પર હત્યા તથા ધ્રુવીકરણના પ્રયાસને કારણે દેશનો એક મોટો સમુદાય પોતાના ભવિષ્યને લઈ ચિંતામાં છે. મહેશ ભટ્ટે આ આર્ટિકલ ટિ્વટર પર શૅર કરીને ટ્વીટ કરી હતી, ’એસે દસ્તૂર કો, સુબહે બેનૂર કો, મૈં નહીં માનતા, મૈં નહીં જાનતા..’ તેમણે વધુમાં લખ્યું હતું કે મોદીએ ખતરનાક હિંદુ રાષ્ટ્રવાદ વિચારોને છૂટો દોર આપ્યો છે. તેઓ પોતાના બીજા કાર્યકાળમાં હજી વધુ સ્ટ્રોંગ થશે.મહેશ ભટ્ટની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યાં હતાં. એક યુઝરે લખ્યું હતું કે તેમનો મત કોઈ કામનો નથી. તો અન્ય એકે કહ્યું હતું કે તે હિંદુ દેશમાં હિંદુઓને જ ખતરનાક કહે છે.