શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જોરદાર તેજી રહી શકે છે. કારણ કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં ફરી વાપસી થઇ છે. આવી સ્થિતિમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં તેજીનો દોર રહે તેમ માનવામાં આવે છે. સામાન્ય ચૂંટણીના પરિણામ સ્વરુપે અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે માર્કેટમાંથી દૂર રહેલા રોકાણકારો હવે ફરી એકવાર બજારમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન હેડલાઇન ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ સપ્તાહના ગાળા દરમિયાન મે મહિનાના સિરિઝ ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટનો ગાળો પૂર્ણ થઇ રહ્યો છે. હાલમાં બજારમાં વધારે રોકાણ ન કરવા માટેની સલાહ કારોબારીઓ આપી રહ્યા છે. માઇક્રો ઇકોનોમિક નંબરો, કોર્પોરેટ કમાણીના આંકડા અને વૈશ્વિક પરિબળોની અસર જોવા મળી રહી છે જ્યારે કોર્પોરેટ અને ચૂંટણી પરિણામ માર્કેટની અપેક્ષા મુજબ રહ્યા છે ત્યારે તેજી નહીં રહે તે કહેવા માટેનું કોઇ કારણ દેખાઈ રહ્યું નથી. એફએન્ડઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પૂર્ણ થશે. જૂનની સિરિઝ માટે કારોબારીઓ તેમની પોઝિશન રોલ ઓવર કરી શકશે. થોડાક દિવસમાં જ મોદીના નેતૃત્વમાં નવી કેબિનેટની રચના કરવામાં આવનાર છે. આના પર તમામની નજર રહેશે. વિદેશી મૂડીરોકાણકારોએ મે મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૩૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૨૪મી મે વચ્ચેના ગાળામાં ઇક્વિટી માર્કેટમાંથી ૨૦૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૨૩૦૦.૮૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછા ખેંચવામાં આવેલી રકમનો આંકડો ૪૩૭૫.૮૬ કરોડ સુધી પહોંચી ગયો છે. એફપીઆઈ દ્વારા ૨૩મી મેના દિવસે ઇક્વિટીમાં ૧૩૫૨.૨૦ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા તે દિવસે સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. આઠ જુદા જુદા પરિબળોમાં ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો , એફએન્ડઓ સિરિઝ, લોકસભાની ચૂંટણીના પરિણામની અસર રહેશે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ અને ઇન્ટ્રા આઉટપુટના ડેટા શુક્રવારના દિવસે જારી થશે જેમાં દેશની આર્થિક સ્થિતિને જાણી શકાશે. એનટીપીસી, અદાણી પોર્ટ, ગેઇલ, ઇન્ડિગો, ઝી એન્ટરટેઇનમેન્ટ, પીએનબી, કોલ ઇન્ડિયા દ્વારા આ સપ્તાહની અંદર જ માર્ચ ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવશે. વૈશ્વિક સ્તર પર જોવામાં આવે તો જાપાનના કોર સીપીઆઈ આંકડા, ચીનના પીએમઆઈના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. આવતીકાલે બજારમાં તેજીનો માહોલ રહી શકે છે.