વિદેશી મૂડીરોકાણકારોએ મે મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૩૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૨૪મી મે વચ્ચેના ગાળામાં ઇક્વિટી માર્કેટમાંથી ૨૦૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૨૩૦૦.૮૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછા ખેંચવામાં આવેલી રકમનો આંકડો ૪૩૭૫.૮૬ કરોડ સુધી પહોંચી ગયો છે. એફપીઆઈ દ્વારા ૨૩મી મેના દિવસે ઇક્વિટીમાં ૧૩૫૨.૨૦ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા તે દિવસે સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો જંગી નાણાં પરત ખેંચી રહ્યા છે. એફપીઆઈને કેન્દ્રમાં સ્થિર સરકાર બનવાને લઇને કોઇ અસર થઇ નથી. કારણ કે, આ ગાળામાં જંગી નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ જનમત સ્પષ્ટ આવતા ચૂંટણી પરિણામના દિવસે જંગી નાણાં ઠાલવ્યા હતા. શેરબજારમાં અનિશ્ચિતતા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા છે ત્યારે આની સીધી અસર પણ જોવા મળી રહી છે. વધુમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાની સીધી અસર પણ નોંધાઈ રહી છે. એફપીઆઈ દ્વારા મે મહિનામાં ઉલ્લેખનીય નાણાં પાછા ખેંચાયા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.