કલોલના પિયજ ગામમાં ઘેટા ચરાવતાં એક માલધારીના રપ ઘેટા ટપોટપ મરણ જતાં તંત્ર દોડતું થયું હતું. ઘટાના મોત ઝેરી વનસ્પતિ ખાવાથતી થયા હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. અમદાવાદની ટીમે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે.
કલોલના પિયજ ગામના ખેતરમાં રપ ઘેટાના મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કચ્છના માલધારી કરમશીભાઈ રબારીએ છેલ્લા પાંચ દિવસથી ૧૦૦ ઘેટા સાથે પિયજ ગામના શિમાળે ઉતારો કર્યો હતો અને ત્યાં જ ઘેટા ચરાવતા હતા. ત્યારે ગત ગુરૂવારથી શુક્રવાર દરમ્યાન ટપોટપ રપ ઘેટાના મોત નીપજતાં માલધારીમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ તેમણે કલોલ તાલુકા પંચાયતને કરી હતી જેથી પશુ ચિકિત્સકની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને જીવતા અન્ય ઘેટાઓની સારવાર શરૂ કરી હતી અને ઘટનાનું વિગતવાર પંચનામું કર્યું હતું ઘેટાના મોત ઝેરી વનસ્પતિ ખાવાથી ખોરાકી ઝેરીની અસરથી થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. ઘટનાની જાણ કરવામાં આવતાં અમદાવાદની એડીઆઈઓની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી છે. બે દિવસમાં બનેલી આ ઘટનાએ પિયજ ગામમાં ચકચાર મચાવી છે ત્યારે ઘેટાના મોતથી જીવદયા પ્રેમીઓમાં પણ શોક વ્યાપી ગયો હતો.