એજ્યુકેશન હબ બનેલા ગાંધીનગરમાં ધમધમતા ટ્યૂશન ક્લાસ, કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, રીડિંગ લાઈબ્રેરી અને હોસ્ટેલ તરફ મીટ માંડે છે. એક અંદાજ અનુસાર ગાંધીનગર અને બહારગામથી આવેલા ૭૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦-૧૨થી માંડીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. સુરતના ટ્યૂશન ક્લાસમાં સર્જાયેલી કરૂણ ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપી છે, પરંતુ આ કાર્યવાહી કેટલી સફળ થશે, તે કહેવું અઘરું છે. કારણ કે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં કેટલા ટ્યૂશન ક્લાસ, રીડિંગ લાઈબ્રેરી, હોસ્ટેલ છે તે અંગે તંત્ર પાસે કોઈ જાણકારી નથી. મ્યુનિ. કોર્પોરેશન, કલેક્ટર કચેરી કે જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં આ અંગે કોઈપણ પ્રકારની માહિતી રાખવામાં આવતી જ નથી.
પાછલા એક દાયકાથી મકાનમાં હોસ્ટેલ શરૂ કરી લાખો રૂપિયાની રોકડી કરવાનો વ્યવસાય ઠેર-ઠેર ધમધમી રહ્યો છે. ખાસ કરીને સેકટર ૨૪થી ૨૮ અને સેકટર-૧, ૮, કુડાસણ, સરગાસણમાં આ પ્રવૃત્તિ ખૂબ પાંગરી છે. એક અંદાજ અનુસાર ગાંધીનગરમાં ૫૦૦થી વધુ હોસ્ટેલ છે. હોસ્ટેલ દીઠ ૭૦ વિદ્યાર્થીની ગણતરી કરવામાં આવે તો માત્ર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આંકડો જ ૩૫,૦૦૦ છે. ૫૦ જેટલી રીડિંગ લાઈબ્રેરી આવેલી છે, જ્યાં રોજના ૫૦૦૦ વિદ્યાર્થીઓની અવર-જવર રહે છે. આ ઉપરાંત ૨૫૦ જેટલા નાના-મોટા ટ્યૂશન ક્લાસ આવેલા છે. તેમાં સરેરાશ ૨૦૦ વિદ્યાર્થીની ગણતરી કરીએ તો આ આંકડો ૫૦,૦૦૦ થાય છે. તદ્ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ આપતાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ૧૦૦ જેટલા છે. દરેકમાં ૨૦૦ વિદ્યાર્થીઓની સરેરાશ જોતાં આ આંકડો ૨૦,૦૦૦ જેવો થાય છે. એકંદરે ગાંધીનગરમાં ૭૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની જરૂર છે. ગાંધીનગરની દરેક સ્કૂલ-કોલેજના સરનામા તથા સુવિધાઓ અંગેની ઝીણામાં ઝીણી વિગતો શિક્ષણ વિભાગ પાસે છે, પરંતુ તે સિવાયની શૈક્ષણિક સંસ્થાની કોઈ જાણકારી તંત્ર પાસે નથી. આવી સંસ્થાના સંચાલક કોણ છે, સરનામું શું છે? તથા કેટલા વિદ્યાર્થીઓની અવર-જવર છે? સ્વચ્છતા, ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ છે કે નહીં? તે અંગેની કોઈપણ માહિતી હજુ સુધી એકત્ર કરવામાં આવી નથી. સુરતની કરૂણાંતિકા બાદ જાગેલા તંત્રએ આકરી કાર્યવાહી માટે દંડો પછાડ્યો છે ખરો, પરંતુ જાણકારીના અભાવમાં આ કાર્યવાહી કેટલી સફળ થશે તે કહેવું અઘરું છે. ગત વર્ષે મ્યુનિ. કોર્પોરેશને શરૂ કરેલી દબાણ હટાઓ ઝુંબેશ દરમિયાન સેકટર-૬ ખાતે આવેલા વિવિધ કોમ્પ્લેક્સમાં સ્ટોરની જગ્યાએ રીડિંગ લાઈબ્રેરી ચાલતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાએ તે સમયે આવી લાઈબ્રેરીને સીલ માર્યા હતા, પરંતુ દીવાળી નજીક આવતાં સીલ ખોલી દેવાયા હતા. સીલ ખોલાવવા મિલકતધારકોએ રીડિંગ લાઈબ્રેરી શરૂ નહીં કરવાની ખાતરી આપી હતી. આ ખાતરીનો ભંગ થવા છતાં મ્યુનિ. તંત્ર દ્વારા આંખમિંચામણાં થયા છે. મ્યુનિ. વિસ્તારમાં આવેલી શાળાઓમાં બાળકોની સલામતી માટે પૂરતાં પગલાં ન લેવાતા હોવાનું ધ્યાને આવતાં મેયરે તમામ શાળાની ચકાસણી કરવા ત્રીજી મેના રોજ સૂચના આપી હતી. તેમણે શાળાઓમાં ફાયર સેફ્ટી, બાળકોના આરોગ્ય, મેદાનની વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, બાંધકામની મંજૂરી સહિતના વિવિધ પાસા અંગે સ્થળ તપાસ કરવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો હતો. આ પત્ર અન્વયે થયેલી કાર્યવાહી અંગે પત્રકાર પરિષદમાં કમિશનર પાસે જાણકારી માગવામાં આવી હતી. જો કે મ્યુનિ. કમિશનર પોતે આ બાબતથી સાવ અજાણજી હોવાના કારણે તેમણે ફાયર ઓફિસરને વિગતો આપવા જણાવ્યું હતું. ફાયર ઓફિસરે કહ્યું હતું કે, ફાયર, મેલેરિયા, ટાઉન પ્લાનિંગ, ટેક્સ શાખાના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા સ્થળ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. મેયરે પાઠવેલા પત્રના ૨૨ દિવસ બાદ ટીમની રચના ઉપરાંત શું કાર્યવાહી થઈ તે અંગે પૂછતાં ફાયર ઓફિસર પાસે કોઈ જવાબ ન હતો. દરમિયાન મેયર અને કમિશનરે આગામી ૧૫ દિવસમાં તપાસ બાદ કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. મ્યુનિ. વિસ્તારમાં આવેલી શાળામાં સલામતી અને સ્વચ્છતા બાબતે નક્કર કામગીરી હાથ ધરવાના બદલે માત્ર ટીમની રચના કરીને મ્યુનિ. અધિકારીઓએ મેયરની અવગણના ઉપરાંત કમિશનરને અંધારામાં રાખ્યા હોવાનું ચિત્ર ઊભું થયું હતું.