કેરળમાં ISISના ૧૫ આતંકવાદીઓ ઘૂસવાની આશંકા, દેશમાં હાઈ એલર્ટ

521

ઈસ્લામિક સ્ટેટ ISના ૧૫ શંકાસ્પદ આતંકીઓ બોટમાં સવાર થઈને કથિત રૂપે શ્રીલંકાથી લક્ષદ્વીપ માટે રવાના થયાની ગુપ્ત રિપોર્ટ મળ્યા બાદ કેરળના તટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયો છે. પોલીસ વિભાગના સૂત્રો અનુસાર તટીય પોલીસ સ્ટેશનો અને તટીય જિલ્લા પોલીસને સાવધાન કરી દેવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ તથા મિનિકૉય દ્વીપ આસપાસ અને શ્રીલંકા સરહદ પર દરિયાઈ જહાજો અને વિમાનોને તહેનાત કરી દીધા છે.પોલીસના એક ટોચના સૂત્રએ જણાવ્યું, ‘આ પ્રકારના એલર્ટ સામાન્ય છે, પરંતુ આ વખતે અમારી પાસે સંખ્યાને લઈને ખાસ સૂચના છે. આવી કોઈપણ શંકાસ્પદ બોટ દેખાવાની સ્થિતિમાં અમને તટીય પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ પ્રમુખોને સાવધાન રહેવા માટે કહેવાયું છે.’

તટીય પોલીસ વિભાગે કહ્યું કે તે ૨૩મેથી જ એલર્ટ પર છે. આ દિવસે જ તેમને શ્રીલંકાથી સૂચના મળી હતી.

તટીય વિભાગના સૂત્રોએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, શ્રીલંકામાં હુમલાની ઘટના બાદથી જ અમે લોકો સાવધાન છીએ. અમે માછલી પકડનારી બોટના માલિકો અને દરિયામાં જતા અન્ય લોકોને કોઈપણ શંકાસ્પદ હરકત માટે સાવધાન રહેવા કહ્યું છે. શ્રીલંકામાં ઈસ્ટરના અવસરે થયેલા શ્રેણી બદ્ધ બોમ્બ બ્લાસ્ટ બાદથી જ કેરળ હાઈ એલર્ટ પર છે. એનઆઈએની તપાસમાં આ ખુલાસો થયો હતો કે આઈએસઆઈએસના આતંકવાદીઓ હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે.

ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે હજુ પણ કેરળના ઘણા લોકોના આઈએસઆઈએસ સાથે સંબંધ છે. હાલમાં ઈરાક અને સીરિયામાંથી આઈએસઆઈએસનો સફાયો થઈ ચૂક્યો છે. શ્રીલંકામાં ૨૧ એપ્રિલે થયેલા ૮ બ્લાસ્ટમાં ૨૫૦થી વધારે લોકોના જીવ ગયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ ઘટનાની જવાબદારી લીધી હતી.

આઈએસ આતંકીઓએ ઈસ્ટર ફેસ્ટિવલ પર શ્રીલંકામાં આઠ સિરીયલ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. ત્યારબાદ કેરળમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. એનઆઈએની તપાસમાં બહાર આવ્યું હતું કે વિસ્ફોટની યોજના તૈયાર કરવા માટે આતંકીઓ થોડા દિવસ માટે કેરળમાં રોકાયા હતા.

Previous articleશહેર-જિલ્લામાં કેટલા ટ્યૂશન ક્લાસ, રીડિંગ લાઈબ્રેરી છે તેની તંત્રને ખબર જ નથી, તો પગલાં કઈ રીતે લેશે?
Next articleસ્મૃતિ ઇરાનીના ખાસ સહયોગી અને પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની ગોળી મારી હત્યા