ગુજરાતમાં રૂપાણી કેબિનેટનું ટૂંકમાં વિસ્તરણ થવાના સંકેત

675

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવીને જોરદાર સપાટો બોલાવી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ મોદી મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ ગુજરાતમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. રાજ્ય વિધાનસભાની ચારે ચાર સીટો પણ ભાજપે લોકસભાની તમામ ૨૬ સાથે જીતી લીધી છે.હવે વિજય રૂપાણી મંત્રીમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર વિસ્તરણને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. આગામી મહિનામાં કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે. બનાસકાંઠા લોકસભા સીટ ઉપરથી ચૂંટણી જીતી ચુકેલા રાજ્યના પાણી પુરવઠા અને જળસંશાધન મંત્રી (સ્વતંત્ર હવાલો) પરબત પટેલ સાંસદ બની ગયા બાદ હવે તેમને મંત્રીપદેથી રાજીનામુ આપવું પડશે. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત થઇ ચુકેલા પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શંકર ચૌધરીના મંત્રીમંડળમાં સામેલ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવી જ રીતે મહેસાણા જિલ્લાના ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવી ચુકેલા આશા પટેલને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. આશા પટેલે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટીકીટ પર ભાજપના દિગ્ગજ નેતા અને પાંચ વખતના ધારાસભ્ય રહી ચુકેલા નારાયણ દલ્લુને હાર આપી હતી પરંતુ થોડાક મહિના પહેલા જ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થયા હતા. આવી જ રીતે જામનગર ગ્રામ્ય સીટથી વિધાનસભા પેટાચૂંટણી જીતી ચુકેલા રાઘવજી પટેલની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી થવાની શક્યતા છે પરંતુ જામનગરથી પહેલાથી જ બે મંત્રી કેબિનેટમાં છે જેથી કેટલાક અન્ય ફેરફાર પણ થઇ શકે છે.

Previous articleમોદીના PM તરીકે ૩૦મીએ શપથ
Next articleસુરત ગયેલા હાર્દિક પટેલ પર લોકોનો હુમલાનો પ્રયાસ થયો