કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને યુવા નેતા હાર્દિક પટેલ આજે સુરતમાં તક્ષશિલા આર્કેડ ખાતે જયાં આગની ભયંકર અને ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી ત્યાં આજે ઘટનાને બે દિવસ પછી મુલાકાત લેવા પહોંચ્યો ત્યારે સુરતીલાલાઓના ઉગ્ર આક્રોશનો ભોગ બન્યો હતો. રોષે ભરાયેલા લોકોએ હાર્દિકને મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ઝપાઝપી કરી ધક્કે ચઢાવવામાં આવ્યો હતો. તો, બે-ચાર શખ્સોએ હાર્દિકને તમાચો મારવાની કોશિષ પણ કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ તેને હુર્રિયો બોલાવતાં હાર્દિક પટેલને ત્યાંથી રવાના થઇ જવાની ફરજ પડી હતી. જો કે, હાર્દિકે મૃતક બાળકોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને મૃતકોના પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. બીજીબાજુ, હાર્દિક પટેલે તેની પરના આ હુમલાને લઇ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો અને ભાજપ ફરી સત્તા પર આવી છે એટલે તેને મરાવી પણ નાંખે તેવી દહેશત વ્યકત કરી હતી. તો, આવતીકાલથી હાર્દિકે ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી હતી. હાર્દિકને તમાચો મારવાનો પ્રયાસ કરનાર શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના મોતના પગલે લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો છે અને તક્ષશિલા આર્કેડ સામે ઘરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, જીઈબી પર આક્ષેપો કર્યા હતા. અને મેયર સહિત જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. દરમિયાન ઘરણા પર બેસેલા સ્થાનિકોને મળવા જતા હાર્દિક પટેલને તમાચો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોએ હાર્દિક સાથે ઝપાઝપી કરી તેને ધક્કે ચઢાવ્યો હતો.
હાર્દિક આવવાનો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને તેનો વિરોધ કર્યો હતો. ભારે વિરોધ અને હુર્રિયો બોલાવાતાં હાર્દિક પટેલને આખરે ત્યાંથી રવાના થવાની ફરજ પડી હતી. દરમિયાન પોલીસ હાર્દિક પટેલને તમાચો મારવાનો પ્રયાસ કરનાર ચંદ્રેશ કાકડિયા સહિત બેની અટકાયત કરી લીધી હતી. જો કે, હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે. અને આ માંગ નહીં સ્વીકારવામાં આવશે તો ઘરણા પર બેસવામાં આવશે. બે દિવસ ન આવ્યો તો કહ્યું કે, ફરક્યો નહી અને આજે આવ્યો છું તો રાજનિતી કહે છે. સુરતમાં આટલી મોટી ઘટના બને તો શરમ આવવી જોઈએ અને જવાબદારોએ નૈતિકતાના ધોરણે રાજીનામુ ધરી દેવું જોઈએ. હાર્દિકે તમાચા મારવાના પ્રયાસ અંગે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર આવી છે તે મારી પણ નાખે. તમાચા મારવાનો પ્રયાસ થયો તેને લઈને હાલ કંઈ નહીં હતું. પણ મૃતકોના પરિવારજનોએ સાંત્વના પાઠવી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરું છું. સુરતરતમાં આગના બનાવ બાદ મને એમ હતું કે સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ સખત કાર્યવાહી નથી થઈ. હું સુરતની ઘટનામાં સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનાર અધિકારીઓને સજા અપાવીશ. આજે હુ બાળકોના પરિવારોને મળીશ. સરકારને ૧૨ કલાકનો સમય આપું છું કે સુરતના મેયરનું રાજીનામું લઈ લે અને ગેરકાયદેસર બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને સમયસર ઘટના સ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય નહીં આપી શકે તો આવતીકાલથી હું સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનશન પર બેસીશ. એક બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપા પોતાનો વિજયોત્સવ મનાવવામાં વ્યસ્ત છે. સુરતની જનતાના કરોડોના ટેક્સ લેવાય છે પરંતુ સુવિધા નથી.