આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતનાના જ રહેશે : મોદી

733

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ આજે ગુજરાત પહોંચ્યા હતા. મોદી બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લે તે પહેલા વિજય ઉત્સવમાં પહોંચ્યા બાદ તેઓએ અમદાવાદ શહેરના ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.  મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મોદીએ કહ્યું હતું કે,  સુરતની અગ્નિકાંડની ઘટનાથી તમામ લોકો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. આ ઘટના પ્રત્યે જેટલી સંવેદના વ્યક્ત કરવામાં આવે તેટલી ઓછી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સુરતની ઘટના બની ત્યારથી જ તેઓ પોતે પણ આ ઘટનાને લઇને સંપર્કમાં હતા. વિજય ઉત્સવમાં ભાગ લેવો જોઇએ કે કેમ તેને લઇને પણ પોતે પણ દુવિધામાં હતા. કારણ કે, સુરત અગ્નિકાંડની ઘટનાથી ભારે દુવિધાભરી સ્થિતિ ઉભી થઇ ગઈ હતી. એકબાજુ જવાબદારી અને બીજી બાજુ કર્તવ્યની બાબત રહેલી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટના બાદ આઘાતમાં ગરકાવ રહેલા પરિવારોને ભગવાન શક્તિ આપે તેવી તેઓ પ્રાર્થના કરે છે. અન્ય મુદ્દા ઉપર વાત કરતા મોદીએ કહ્યું હતું કે, છઠ્ઠા તબક્કાના મતદાન બાદ જ્યારે તેઓએ પોતે કહ્યું હતું કે, અમને ૩૦૦થી વધારે સીટો મળી રહી છે. આવા નિવેદન બાદ તેમની મઝાક કરવામાં આવી હતી. પરિણામ હવે તમામની સામે છે. આટલો મોટો જનાદેશ ઐતિહાસિક છે. લોકો નક્કી કરીને બેઠા હતા કે, ફરીથી મજબૂત સરકાર તેઓ ઇચ્છે છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભારતના લોકોને ગુજરાતના વિકાસ અંગે માહિતી હતી. તેઓ ગુજરાતના લોકોના દર્શન માટે અહીં આવ્યા છે. રાજ્યના નાગરિકોના આશીર્વાદ તેમના માટે હંમેશા મહત્વપૂર્ણ રહ્યા છે. મોદીએ અન્ય મુદ્દા ઉપર પણ વાત કરી હતી. આવનાર પાંચ વર્ષ જનભાગીદારી અને જનચેતના માટેના રહેનાર છે. સોશિયલ મિડિયા ઉપર ફરતા થયેલા એક વિડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં આ મહિલા મોદી મોદી કહેતા નજરે પડે છે. આ મહિલાએ ગુજરાતના વિકાસની વાત પણ કરી હતી જેનાથી લોકોને ગુજરાત અંગે વધુ જાણવા મળ્યું હતું. મોદીએ દાવો કર્યો હતો કે, આટલા પ્રચંડ જનાદેશ બાદ જવાબદારી વધી જાય છે. આટલી મોટી જીત બાદ વિનમ્ર રહેવાની બાબત ખુબ મહત્વપૂર્ણ છે. આગામી પાંચ વર્ષ સર્વાંગી વિકાસ માટેના રહેશે. વિશ્વ સ્તર પર ભારતને વધુ આગળ વધારવાનો સમય છે. આગામી પાંચ વર્ષનો ઉપયોગ સામાન્ય નાગરિકોના મુદ્દાને ઉકેલવાનો રહેશે.

Previous articleમોદી-શાહનો વિજય ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ મનાવાયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે