ભાવનગર શહેરના સંસ્કાર મંડળ નજીક આવેલા સુપ્રસિધ્ધ ખાંડિયા કુવા ખોડીયાર માતાજીના મંદિરમાં આગામી તા.રપ-૧-ર૦૧૮ને ગુરૂવારના રોજ ખોડીયાર માતાજીના જન્મજયંતિ મહોત્સવની પરંપરાગત રીતે મહંત પૂ.ગંગામૈયાની નિશ્રામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. મિત્ર મંડળ દ્વારા આયોજીત આ અવસરે તા.રપમીએ સવારે ૮ કલાકે માતાજીની વિશાળ શોભાયાત્રા સ્થાનિક રાજમાર્ગો પર વાજતે-ગાજતે ફરશે. બાદ સવારે ૯ કલાકે હોમાતમક નવચંડી યજ્ઞનો શુભારંભ થશે. સવારે ૧૦ કલાકે ધ્વજાદંડ આરોહ થશે. સાંજે પ કલાકે શ્રીફળ હોમાશે. સાંજે ૭ કલાકે તમામ અબાલવૃધ્ધ માઈભક્તો માટે મહાપ્રસાદ બાદ માતાજીના સાનિધ્યમાં નામાંકિત કલાકારો દ્વારા ભજનસંધ્યા તેમજ ડાકડમરૂના કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. માતાજીના સાનિધ્યમાં આયોજીત હવનમાં પૂજાવિધિ માટે બેસવા ઈચ્છુકોએ વહેલી તકે મંદિરમાં ભગતને નામ નોંધાવી જવા. આ ધર્મોત્સવને અનુલક્ષીને મંદિરમાં ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે મિત્રમંડળ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.