ભાવનગર- અમદાવાદ હાઇ-વે પર આજે વહેલી સવારે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એક મહિલા અને બાળક સહિત પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતા ધંધુકા રેફરલ હોસ્પીટલમાં ૧૦૮માં સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ બનતા હાઇ-વે પર ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. અને આસપાસના લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર ધોલેરા પીપળી વચ્ચે આજે વ્હેલી સવારે ઇનોવા કાર નં.જીજે૨૭-યુ-૬૩૭૬ ના ચાલકે ગફલત ભરી રીતે પૂરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હતો ત્યારે સામેથી આવતી મારૂતિ ઝેન કાર નં.જીજે૨-એપી-૧૧૬૩ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભૂકો બોલી ગયો હતો. આ અકસ્માતની ૧૦૮ને જાણ કરાતા તૂરત જ ધંધુકા ૧૦૮ના પાયલોટ અનિરૂદ્ધસિંહ વાળા તથા ઇએમટી ઇમરાન પરમાર તેમજ ફેદરા ૧૦૮નાં પાયલોટ સહદેવસિંહ ગોહિલ અને ઇએમટી નરેન્દ્ર પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને ધંધુકાની ખાનગી હોસ્પીટલ આરએનએસમાં ખસેડી સારવાર શરૂ કરાવી હતી. ઘટનાની જાણ થતા ધોલેરા પીએસઆઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને જરૂરી કાગળો કરવા ઉપરાંત ઇજાગ્રસ્તોને હોસ્પીટલ ખસેડાયા બાદ ટ્રાફીક ખુલ્લો કરાયો હતો.
અકસ્માતનો બનાવ બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કારમાં સવાર લોકોને બચાવવાની કામગીરી કરી હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે એક મહિલા, બાળકી સહિત પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા અને હાઇ-વે રક્તરંજીત થયો હતો. અકસ્માતના આ બનાવ સંદર્ભે અંજલીબેન નિરજભાઇ પટેલ (ઉ.વ.૨૬ રહે.નિરમા કોલોની, નારી ચોકડી ભાવનગર)એ ફરીયાદ નોંધાવતા ધોલેરા પીએસઆઇ બી.બી.કરપડા એ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ :
(૧) નિરજભાઇ પ્રહલાદભાઇ પટેલ (ઉ.વ.૨૮) રહે. નિરમા કોલોની, નારી ચોકડી, ભાવનગર,
(૨) અસ્મીતાબેન ભાવિકભાઇ પટેલ (ઉ.વ.૩૦) રહે.ઘોડાસર, ઇસનપૂર, અમદાવાદ,
(૩) આર્વી ભાવિકભાઇ પટેલ (ઉ.વ.૫) રહે. ઘોડાસર, ઇસનપુર, અમદાવાદ,
(૪) વિશાલભાઇ બાબુભાઇ કાનાણી (ઉ.વ.૨૫) રહે.રાજકોટ,
(૫) નિલેશભાઇ (ઉર્ફે નેકલેસ) બાબુભાઇ ગોહિલ (ઉ.વ.૨૭) રહે.ગીતામંદિર, અમદાવાદ.
ઇજાગ્રસ્તોના નામ :
(૧) વીકીરાજસિંહ બળદેવભાઇ રાજપૂત (ઉ.વ.૨૭) રહે.અમદાવાદ,
(૨) કુણાલભાઇ નીતિનભાઇ ડોરીયા (ઉ.વ.૨૬) રહે.અમદાવાદ,
(૩) દિપકભાઇ ઠાકોર (ઉ.વ.૨૭) રહે.અમદાવાદ,
(૪) પંકજભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) રહે.અમદાવાદ,