લોકસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ધડાકા સાથે સત્તામાં વાપસી કરી લીધી છે. સતત બીજી અવધિમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ હવે એનડીએ સરકાર અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે દમદાર પગલા લઇ શકે છે. જેના કારણે શેરબજારમાં તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. હાલમાં ટોપના અર્થશાસ્ત્રીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જુલાઇમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટમાં અર્થતંત્રને મજબુત કરવા માટે કેટલાક નક્કર પગલા લેવામાં આવી શકે છે. જુલાઇમાં બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા સુધી નિફ્ટીમાં ૫-૧૦ ટકા સુધીનો ઉછાળો આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. અડધાથી વધારે અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે નિફ્ટી ત્યાં સુધીમાં તો ૧૨૫૦૦ની સપાટી પર પહોંચી શકે છે. ૨૫ ટાક લોકોનુ કહેવુ છે કે વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે ત્યાં સુધી નિફ્ટી ૧૩૦૦૦ સુધી પહોંચી શકે છે. જો કે આશરે ૧૪ ટકા લોકોનુ કહેવુ છે કે નિફ્ટી ૧૨૦૦૦ સુધી પહોંચી જવાની શક્યતા છે. ૧૧ ટકા અર્થશાસ્ત્રીઓનુ કહેવુ છે કે નિફ્ટી ઘટીને ૧૧૫૦૦ પર પહોંચી શકે છે. બજેટ બાદ નિફ્ટીમાં કોઇ મોટા ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ ૩૧મી ડિસેમ્બર સુધી નિફ્ટી ૧૩૦૦૦ સુધી પહોંચી શકે છે . કેટલાક નિષ્ણાંતો એમ પણ માને છે કે આંકડો ૧૩૫૦૦ સુધી પણ જઇ શકે છે. ફંડ મેનેજરોનું કહેવું છે કે, રાજકીય મોરચા પર સ્થિરતા પરત ફરવાથી મિડ અને સ્મોલકેપથી જોડાયેલા સેન્ટીમેન્ટમાં સુધારો થશે જે માર્ચ મહિનાથી જ માર્કેટ રેલીથી દૂર છે. મિડકેપ ઇન્ડેક્સ ૨૦૧૯માં હજુ સુધી ત્રણ ટકા સુધી નીચે પહોંચી ચુક્યો છે જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ દર વર્ષે આધાર પર યથાસ્થિતિમાં છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા ખરીદદારીનો માહોલ જામ્યો છે. ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ ગયા ગુરુવારના દિવસે સેંસેક્સમાં જોરદાર તેજી જામી હતી. શુક્રવારના દિવસે ૨૦૦૦ કરોડના શેર અને ગુરુવારના દિવસે ૧૪૦૦ કરોડના શેર ખરીદવામાં આવ્યા હતા. માર્ચથી એફપીઆઈ દ્વારા ૫૪૦૦૦ કરોડ રૂપિયાના શેર ભારતીય બજારમાં ખરીદવામાં આવ્યા છે.