રાજ્યમાં બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા ખાતે એક કારને અકસ્માત નડ્યો છે. જ્યારે લીમડી ચોટીલા નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા નજીક એક કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે નીલગાય વચ્ચે આવી જતાં કાર પલટી મારી ગઈ હતી.
બનાસકાંઠાના અકસ્માતમાં રાહુલ નામના વ્યક્તિ તેમજ રાજુ નામના એક બાળકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. લીમડી ચોટીલા નેશનલ હાઇવે પર બે કાર અને કન્ટેનર વચ્ચે ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત બાદ કન્ટેનર ચાલક કન્ટેનર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
અકસ્માત બાદ હાઇવે પર ચક્કાજામ થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.