કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે આવેલા આશ્રમના પ.પૂ. સંત શ્રી સદારામ બાપા બ્રહ્મલીન થયા બાદ તેમના અસ્થિનું વિસર્જન આજે સોમવારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકના માલસર ખાતે આવેલા નર્મદા મૈયામાં સંત પૂ. દાસ બાપુ અને તેમના પરિવારના હસ્તે કરવામાં આવ્યા હતા. જેમાં પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ કન્કેશ્વરી દેવી, પૂ. ભાણ સાહેબની ગુરુ ગાદી કમીજ્લાના સંત શ્રી જાનકીદાસ બાપુ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, સોજીત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર અને એપીએમસીના ચેરમેન અણદાભાઇ પટેલ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં ૨ લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરનાર અને સમાજ સુધારણામાં મોટી ક્રાંતિ લાવનાર સંત શ્રી સદારામ બાપા તારીખ ૧૪ મેના રોજ બ્રહ્મલીન થયા હતા અને તેમની પાલખી યાત્રા ૫૦ હજારથી વધુ ભાવિક ભક્તોએ બાપાના દર્શન કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર્શન કરી શ્રધા સુમન અર્પણ કર્યા હતાં. સંતો મહંતો અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે, પૂજ્ય સદારામ બાપા ઓલિયા સંતનો અવતાર હતા. બાપુ પરમાત્માનો અવતાર હતા. બાપુ સાચા સંત હતા. સમાજમાં તેમના દેહવિલયથી ધાર્મિક ક્ષેત્રે અને સામજિક ક્ષેત્રે મોટી ખોટ વર્તાશે.