દવાખાના અને હોસ્પિટલોમાંથી નીકળતા મેડીકલ વેસ્ટ સંબંધે ઉઠતી ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સની તાકીદે રચના કરવા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી તંત્રને સૂચના અપાઈ છે. સ્વૈચ્છિક સંસ્થાઓને પણ તેમાં જોડાશે. બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કેન્દ્રના પર્યાવરણીય સુરક્ષા કાયદા-૧૯૮૬ની ચૂસ્ત અમલવારી તે જોવા પણ તાકીદ કરાઈ છે.
રાજ્યના પર્યાવરણ નિયામક દ્વારા આ સંબંધે તમામ જિલ્લા તંત્રોને સૂચના અપાઈ છે. પત્રમાં જણાવાયુ છે કે, રાજ્યમાં બાયો મેડીકલ વેસ્ટ સંબંધી ફરિયાદોના નિવારણ અને આ કામગીરીના મોનીટરીંગ માટેના રૂલ્સ ૧૯૯૮ તથા વન અને પર્યાવરણ કેન્દ્રીય મંત્રાલયના પર્યાવરણીય સુરક્ષા કાયદા ૧૯૮૬ના અમલ માટે ડિસ્ટ્રીકટ લેવલ ટાસ્ક ફોર્સની રચના કરવાનું અનિવાર્ય છે.
ટાસ્ક ફોર્સમાં પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક સંસ્થાઓને જોડવાની હોવાથી તેના સરનામા અને હોદ્દેદારોના સંપર્ક નંબરો મેળવીને પર્યાવરણ નિયામકને મોકલવા જણાવાયુ છે. જે સંસ્થાઓએ આ દિશામાં કામગીરી કરી હોય તેવી સંસ્થાઓને જ આ ફોર્સમાં જોડાશે.