સિવિલનાં કેન્સર વિભાગમાં શોર્ટસર્કિટથી ધડાકો, દર્દી અને સબંધીઓમાં દોડધામ મચી

644

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આવેલા કેન્સર સેન્ટરમાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના લીધે પ્રચંડ ધડાકો થતા વાયર સળગી ગયા હતા. જેને કારણે સારવાર લેતા દર્દી તેમના સંબંધી અને તબીબ સહિતના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા દેવરાજભાઈ બાવાભાઈ તેજાણી કેન્સર ઇન્સ્ટિટયુટ અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરમાં સોમવારે સવારે પેનલ બોર્ડમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા વાયર સળગી જતા જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકાના અવાજ સાંભળીને ત્યાં કિમોથેરાપી, રેડિયો થેરાપી અને ચેકઅપ કરાવવા આવેલા કેન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓ તથા તબીબ સહિતના કર્મચારીઓમાં નાસભાગ થઈ ગઈ હતી જ્યારે કેટલાક કર્મચારીએ સમય સૂચકતા વાપરી ત્યાંની ઈલેક્ટ્રીક સ્વીચો બંધ કરી દીધી હતી. આ અંગે જાણ થતા ફાયર બ્રિગેડ પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જોકે વાયર સળગી ગયા હોવાથી વિજળી ડૂલ થઇ હતી. આ ઘટનામાં કોઈપણ નુકસાન કે કોઈ ઇજા જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે તાજેતરમાં સરથાણા ખાતે ભીષણ આગના લીધે ૨૨ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. જેને કારણે આજે સવારે સિવિલ કેમ્પસમાં કેન્સર સેન્ટરમાં આ સામાન્ય છમકલાને લીધે નવી સિવિલ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

Previous articleબેચરાજીના ડોડીવાડાના એક જ પરિવારના ચારના મોતથી ગમગીની
Next articleરામનું કામ કરવાનું છે અને આ કામ થઇને રહેશેઃ મોહન ભાગવત