સુરતના ગોઝારા આગકાંડ બાદ સફાળા જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના એસ્ટેટ વિભાગની જુદી જુદી ટીમો આજે શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરના ટયુશન કલાસીસ, હોસ્પિટલો, હોટલ-રેસ્ટોરન્ટસના ટેરેસ પર શેડ પ્રકારના બાંધકામ, ગેરકાયદે બાંધકામ અને જોખમી માળખાઓ તોડી પાડવા(ડિમોલીશન) માટે ત્રાટકી હતી અને મોટાપાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી.
અમ્યુકોની ટીમ દ્વારા શહેર પોલીસ તંત્રના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ આ ડિમોલીશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે ગેરકાયદે બાંધકામ, શેડ્સ પ્રકારના બાંધકામ ઉભા કરી દેનારા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, અમ્યુકો તંત્ર દ્વારા પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી દેવામાં આવી હતી અને સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી દેતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ફાયરસેફ્ટી એનઓસી ના લેવાય ત્યાં સુધી હોસ્પિટલ બંધ રાખવા અમ્યુકો સત્તાવાળાઓએ કડક તાકીદ પણ કરી છે. થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉપરના માળે આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી.
આગના કારણે અફરાતફરી સર્જાઈ હતી. હોસ્પિટલમાં રહેલા ૧૫ જેટલા બાળકોને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી. એક બાળકની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે ૧૦૮માં ખસેડવાની ફરજ પડી હતી. આગની ઘટનામાં આખો શેડ પણ બળી ગયો હતો. સુરતના આગકાંડ બાદ હવે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કડક હાથે તવાઇ બોલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં હોસ્પિટલની બી.યુ.પરમીશન જ રદ કરી દેવામાં આવી હતી. તંત્રએ ગઈકાલે ૬૨ હોસ્પિટલ, હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપી છે. તો, એસ્ટેટ વિભાગની ટીમ સીજી રોડના બાલાજી હાઇટ્સમાં ત્રાટકી હતી અને ગેરકાયદે બાંધકામ-શેડ્સને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તો આ જ પ્રકારે વૈભવી રેસ્ટોરન્ટ દ્વારા ટોપ ફલોર કરાયેલા બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ માનસી ચાર રસ્તા પાસેના કોમ્પલેક્ષમાં પણ ગેરકાયદે બાંધકામ કરનારા ટયુશન કલાસીસ પર તવાઇ બોલાવાઇ હતી અને ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સુરત અગ્નિકાંડ પહેલા અમ્યુકોના એસ્ટેટ વિભાગે આજે નરોડા પાટિયા વિસ્તામાં રૂદ્રાક્ષ હોસ્પિટલ પાસે આવેલ એસઆરપી કેમ્પની બાજુમાં સીટી સેન્ટર કોમ્પલેક્ષના પાંચમા માળે બાંધેલા તબીબો માટેના રૂમના ડોમ અને શેડ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અમ્યુકોની આજથી શરૂ થયેલી ડિમોલીશનની કામગીરીને પગલે ગેરકાયદે બાંધકામ, શેડ્સ પ્રકારના બાંધકામ ઉભા કરી દેનારા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.