સૃષ્ટિના સર્જનથી વ્યક્તિને એવું લાગ્યા કરે છે કે મારી સાથે આવું કેમ થાય છે? આપણે હંમેશા આપણી મહેચ્છાઓ અને મનોકામના માટે જીવતા હોઈએ છીએ. પ્રત્યેક જીવ પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા મથામણ કરે છે. તેમાં કેટલાકની મનોકામનાઓ પૂર્ણ થતી જોવા મળે છે મોટા જન સમુદાયની નજરમાં ઊતરી ગયેલા, આંખે આવતા લોકો આપણને સફળતા મેળવતા કે તેમની મનોકામના પૂર્ણ કરતાં હોય તેવું જોવા મળે છે ત્યારે ઘણીવાર આપણે નારાજ થઈ જતા હોઇએ છીએ. સાવ જૂઠા કે દુરાચારી લોકો જીવનમાં સફળ થતાં આપણને પહેલી નજરે દેખાય છે, ત્યારે સ્વાભાવિક રીતે આપણે મનોમન હચમચી જઈએ છીએ અને બોલી જતા હોઈએ છીએ કે ‘આવું કાં થાય?’ મારે કહેવું જોઈએઃ ‘આવું તો થાય, એવું પણ થાય.’ આ એવું થવું એટલે શું? ભીતરની લાંબી યાત્રા પછી મને જે દેખાય છે, મને જે ઉત્તર મળ્યો છે તે જ કદાચ ‘એવું કાં થાય’ તે હશે. આ વાત સમજવા એક ઉદાહરણ સમજીએ. એક બહુ મોટા ઋષિ હતા. તે એક સાધક પુરુષ હતા. ઈશ્વર સાધના જ તેઓના જીવનનો એક મંત્ર બની ગયો હતો. દિવસ-રાત ઈશ્વરની આરાધના તેઓ કરતા રહેતા. એક દિવસ તેના શિષ્ય સાથે તે જઈ રહ્યા હતા. રસ્તામાં તેના પગમાં કપાયેલ વૃક્ષનું ઠૂંઠું અથડાય છે. ગુરુનો પગ ઠૂંઠું અથડાવાથી ઘવાય છે. લોહીલુહાણ થયેલ ગુરુ ગુસ્સે થઈ જાય છે અને બોલી ઊઠે છે કે – ‘તેરા જડામૂલ નીકલ જાયેગા.’ ગુરુ આશ્રમમાં પહોંચતા જ શિષ્ય તેની સારવાર શરૂ કરે છે. ઘાયલ થયેલા ગુરુ સૂઈ જાય છે. બીજે દિવસે શિષ્ય તે જ રસ્તા પરથી પસાર થાય છે. ઝાડનું ઠૂંઠું અકબંધ છે. દિવસો પછી દિવસો પસાર થવા લાગે છે. ઠૂંઠું લીલુંછમ બને છે અને તેમાં કૂંપળો ફૂટે છે. ધીમે-ધીમે તે વૃદ્ધિ પામે છે. આ જોઈ શિષ્ય મનોમન બોલી ઊઠે છે. મારા સાધક ગુરુ કહેતા હતા કે, ‘તેરા જડામૂલ નીકલ જાયેગા.’ પરંતુ અચરજની વાત એ છે કેઃ ‘આ ઠૂંઠું હવે વૃદ્ધિ પામી રહ્યું છે!’ મિત્રો, એવું કેમ થઇ રહ્યું હશે? થોડાં વર્ષો પસાર થઈ જાય છે. હવે પેલું ઠૂંઠું મોટું વટવૃક્ષ બની જાય છે. એકાએક વરસાદ ને વાવાઝોડું ફૂંકાઈ છે. પવન એવી તો ગતિ ધારણ કરી લે છે, પેલું વટવૃક્ષ મૂળિયા સોતું ખેંચાઈને ધરાશઈ થાય છે. ઠુંઠામાંથી વૃદ્ધિ પામેલું વટવૃક્ષ અચાનક સમૂળું નાશ પામે છે. આ ઠૂંઠું સાધક પુરુષના પગની હડફેટે ચડ્યું નો હોત તો કદાચ તે ઝડમૂળથી નાશ પામ્યું ન હોત. એના વિનાશ માટે ‘આવું થયું હશે’ એમ કહી શકાય. એના વિનાશ માટે ‘એવું થયું હશે’ એમ પણ કહી શકાય. ‘આવું થવું’ એટલે હડફેટે આવવું અને ‘એવું થવું’ એટલે વૃદ્ધિ પામેલ વૃક્ષને ઉખાડી શકે એવા ભયંકર વાવાઝોડાનું તેના વિનાશ માટે આવી પહોંચવું.
આ વાત પરથી સતત એવું લાગે છે કે દેશના રાજકીયક્ષેત્રે ઠૂંઠા જેવી કેટલીક પ્રતિભાઓ ખરડાયેલી હોવા છતાં એકાએક ઉપસી આવે છે. તેઓ જે કોઈ દાવ-પેચ રચે છે, જે આપણને તેમની સફળતા દેખાય છે, તેમના આકર્ષણ નીચે લોકોનો મોટો વર્ગ આવતો જણાય છે. જે રીતે એક ઠૂંઠું મોટું વટવૃક્ષ બની જાય છે. તે જ રીતે આવા નેતાઓ પણ ઘણી વખત- એક ઘરનું સુકાન પણ ન સંભાળ્યુ હોય, કોઈ ગામનું સરપંચપદ પણ સંભાળ્યું ન હોય, તેવા ઠૂંઠા જેવા રાજકીય નેતા સત્તાના શ્રેષ્ઠ સિંહાસન સુધી પહોંચી વિશાળ વટવૃક્ષ બનવામાં સફળ નીવડે છે. સૃષ્ટિના પ્રત્યેક જીવ જીવન જીવવા માટે હકદાર છે. દરેક જીવને ઈશ્વરે બનાવેલી સૃષ્ટિમાં સમાન રીતે જીવવાનો અધિકાર છે. છતાં આવા લોકો પોતાની મંછા પાર પાડવા કહેવાતા વર્ગો, ધર્મનો આશ્રય લઈ જનતાને ગેરમાર્ગે દોરી, આંબા-આંબલી બતાવી મેલી મુરાદ હાંસલ કરવામાં સફળ થઇ જાય છે. ત્યારે આપણને એવું લાગે છે કે ‘આવું કાં થાય છે?’ આપણે એવું થવા સુધી કે એના જેવું થવા સુધી રાહ જોઈ શકતા નથી. મારે અહીં એક વાત નોંધવી જોઇએ.
એક વિશાળ જંગલ હતું. તેની બાજુમાં જ સુંદરવન નામે રાજ્ય હતું. ત્યાં એક રાજા રાજ્ય કરતો હતો. તે લોકો પાસેથી ભારે કરવેરા ઉઘરાવતો તેમ છતાં તેના જ રાજના કેટલાક સિપાઈઓ ગામમાં જઈ મોટું ધન લોકો પાસેથી લૂંટી-પડાવી લઇ, રાજ્યના ભંડારમાં વધારો કરવા લઇ આવતા. રાજાનાં દિલમાં આવી ખુશામત કરતા સિપાઈઓ અને કર્મચારીઓ પ્રિય બની ગયા હતા. આ જ સમયે બાજુમાં આવેલા જંગલમાં એક માણસ બાણ વિદ્યાનો અભ્યાસ સ્વયંભૂ રીતે કરતો હતો. તે બાણવિદ્યામાં એવો તો વિદ્વાન થઈ ગયો હતો કે તેને સૃષ્ટિનો કોઈ પણ લડવૈયો હરાવી શકે તેમ ન હતો. એક દિવસ રાજાના દરબારમાં કેટલાક લોકો આવીને રાજાને ફરિયાદ કરે છે કે ‘જંગલમાં સિંહનો ત્રાસ વધ્યો છે, તે લોકો પર અવાર-નવાર હુમલાઓ કરે છે. પરિણામે લોકો ટપો-ટપ મરી રહ્યાં છે.’ રાજાએ આ સાંભળીને સેનાપતિને બોલાવી કહ્યુંઃ “લશ્કર સાથે જઈ સિંહને પકડી લો અને મારી સમક્ષ હાજર કરો” સિપાઈઓ તીરકામઠાં સાથે જંગલમાં જાય છે. એક વૃદ્ધ થયેલો સિંહ સૈનિકોની નજરે પડે છે. એને જ પકડી લઇ રાજા સમક્ષ હાજર કરવા તેઓ તૈયાર થઈ જાય છે. એકાએક સિંહને પકડતા જ તેના પર બાણની વર્ષા થાય છે. સિપાઈઓ ઘાયલ થાય છે. મહામહેનતે કેટલાક સિપાઈઓ રાજમહેલમાં પરત ફરવામાં સફળ નીવડે છે. રાજા સમક્ષ શ્વાસભેર પહોંચતાં રાજા પૂછે છે. ‘શું સિંહ તમારી પાછળ આવે છે’ ત્યારે સિપાઈઓ બોલી ઊઠે છે ‘ના સિંહને તો અમે પકડી લીધો હતો પણ જંગલમાં કોઈએ અમારા પર હુમલો કર્યો. અમો માંડ જીવ લઈને અહીં આવ્યા છીએ’ આ વાત સાંભળી રાજા ભારે ગુસ્સે થયો અને બોલી ઉઠ્યો ચાલો, આપણે જંગલમાં જઈએ. હું પણ તમારી સાથે આવું છું. રાજા સાથે સૈનિકોની ટુકડીઓ જંગલમાં જાય છે. જંગલમાં ઘોર યુદ્ધ છેડાયું, તેમાં રાજા પરાજિત થાય છે. રાજા ગંભીર રીતે ઘવાય છે. તેને ભારે પીડા ઊપડે છે. દૂર-દૂર સુધી તેની સંભાળ લેનાર કોઈ નજરે પડતું નથી. આખરે રાજાની સારવાર પેલો માણસ કરે છે, જેમણે રાજાના સિપાઇઓ અને ખુદ રાજાને પણ પરાજિત કરવામાં સફળતા મેળવી હતી. રાજા સાજો થતા જ તે બોલી ઊઠ્યોઃ ‘મારી હાલત પેલા ચોર-લૂંટારા જેવી કેમ થઈ? હું શા માટે પરાજિત થયો?’ ત્યારે પેલા ધનુર્ધારી પ્રામાણિક માણસે ઉત્તર આપ્યોઃ ‘રાજ ચલાવવા, રાજ તરફથી કર લેવાય તે સમજાય તેવી વાત છે. પરંતુ પ્રજા કે જનતાને આ કરવેરા ચુકવવા બદલ તેઓની સલામતી અને સંભાળ રાખવાની જવાબદારી રાજા કે શાસકની બને છે. પરંતુ આ જવાબદારી નિભાવવામાં પ્રજા કે જનતાની મજબૂરીનો સત્તાના જોરે જ્યારે ખોટો લાભ લેવાની કોઇ રાજા કે શાસક કોશિશ કરે ત્યારે તેની હાલત હમેશાં ચોર-લૂંટારા જેવી જ બને છે.
રાજા માટે આ પ્રસંગ કોઈ ઘટના કે કહાની ન હતો. રાજા માટે ધનુર્ધારી પાસેથી શિખવા મળેલી જીવન ઉપયોગી સંજીવની હતી. તે અમ?ત વડે રાજા પોતાનું જીવન પ્રજાના કલ્યાણ યજ્ઞમાં હોમી દેવા તૈયાર થઈ જાય છે. પરંતુ નવાઈની વાત તો એ છે. રાજા પ્રજા માટે જે યોજનાઓ ઘડી કાઢતો તેમાં સફળતા કે યશ સુધ્ધાં તેને મળતા નહિ. રાજા હતાશ અને નિરાશ થઈ, એક દિવસ તપસ્વી ઋષિ પાસે તેનું કારણ જાણવા પહોંચી જાય છે. ઋષિ ભારે વિદ્વાન હોવાથી રાજાની બધી કથની સાંભળી બોલ્યાઃ ‘હે રાજન… સાંભળ, આ જગતમાં જે તને નરી આંખે દેખાય છે, તારા સ્થૂળ કર્ણ વડે જે સંભળાય છે; તે હંમેશાં સત્ય હોતું નથી. જે વૈભવ દેખાય છે. તે પણ સત્ય સુખ આપનારી સમૃદ્ધિ હોતી નથી. જીવનનાં કલ્યાણનું જે પ્રમાણ નથી તેના માટે નાહક દુઃખી થવાનું તું છોડીદે. કારણ તારા આ પરિશ્રમ માટે ભગવાન તને સ્વર્ગનું સુખ આપવા ઇચ્છતા હશે! માટે તને નાની-મોટી સફળતા ન મળતી હોય તેવું બની શકે છે. જિંદગી સ્થૂળ સંપત્તિ કે સત્તા પૂરતી મર્યાદિત હોતી નથી. સંસારમાં રહીને જેઓ સાધુત્વને પામી શકે છે, તે દુનિયાનો ખરો સમ્રાટ બની જાય છે. અર્થાત્ સાધુ છે, ભગવા કપડા ધારણ કરી ધન-સંપત્તિ કે સત્તાની ખુરશી મેળવવા પોતાની સાધનાને હોડમાં મૂકી દુન્યવી લાભ પાછળ જે કૂદી પડે છે તેની તો હંમેશાં દુર્ગતિ જ થાય છે. તું યોગ્ય માર્ગે આગળ ધપી રહ્યો છો.’ ઋષિએ ઉમેર્યુઃ ‘કળિયુગમાં ખોટા માણસો વધુ ફાવશે. રાતોરાત આવા લોકો સત્તા હાંસલ કરી એન-કેન રીતે બાજી જીતી જતા જોવા મળશે. હે રાજન, તારા માટે આ સમય ઘણો સારો છે. તું નાહક વલોપાત કરી તારું જીવન બરબાદ કરીશ નહિ. કારણ! કોઈવાર આવું પણ થાય અને એવું પણ થઈ શકે, વળી એના જેવું પણ થતું હોય છે.’
ઋષિની વાણી સાંભળી રાજા વિચારવા લાગ્યો. જગત જે દેખાય છે તે ખરું નથી તો ઇશ્વર દંભી દુનિયામાં જીવોને મોકલી શા માટે કર્મબંધનમાં ફસાવતો હશે? આ વાર્તાના નાયકની જેમ મને પણ વિચારો કોરી ખાય છે. જેના માટે તમે મરી પડતા હોવ તે જ તમને કોઈવાર દગો દેતા હોય છે. થોડા સમય પહેલા એક રાજનેતાને મળવાનું થયું. તેઓ કહેતા હતાઃ ‘લાભુભાઈ, જગતમાં મેં જ્યાં-જ્યાં પ્રામાણિક બનવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં-ત્યાં મને તંત્ર અને પ્રજા પાસેથી અપેક્ષા મુજબ પ્રતિસાદ સાંપડ્યો નથી. તેમાં તમે કોનો દોષ જુઓ છો?’ મેં કહ્યુંઃ ‘સુજ્ઞ મહોદય! સાંભળો આમાં તમારા દોષનો સવાલ જ ઉપસ્થિત થતો નથી કારણ કે તમારું કામ તો તમને સોંપવામાં આવેલું કાર્ય પૂર્ણ કરવાનું છે. તમારે તેનું પરિણામરૂપી ફળ ખાવાની અપેક્ષાએ કરવાનું નથી. જોકે આનો અર્થ એ પણ થવો ન જોઈએ કે માણસે કર્મ કરી તેના ફળની ઇચ્છા સુધ્ધાં ન કરવી. હા મહેનત કરવા છતાં પણ સફળતા ન મળે તો ફળ ન મળવાનો રંજ રાખવો નહિ’ સાંભળી નેતા ખુશખુશાલ થતા બોલ્યાઃ ‘ચૂંટણીમાં જીત ન મળે તેવા ઉમેદવારે શું કરવું જોઈએ?’ હવે મને સમજાયું કે હારેલા ઉમેદવારો માટે નેતાશ્રી જાણવા ઇચ્છતા હતા. મેં કહ્યુંઃ ‘જુઓ, થોડા દિવસ વહેલા સૂઈ જવાનું રાખવું, જેથી શરીરનો થાક ઊતરી જાય. જેને મોટી માં બનાવ્યા હોય તેવા લોકોનું પગેરુ દબાવી થોડું-ઘણું જાણી લેવું, તેમણે પાછલા બારણે મેચ ફિક્સ તો નથી કરી ને? માળા સટોડિયાઓએ તો બધાને ચેપ લગાડી દીધો છે! આવા ચેપી લોકો તો ચૂંટણી જીતીને પણ પાટલી બદલી લેતા હોય છે. ચૂંટણી પ્રચારમાં રણશિંગું ફૂંકવા મદદે આવી પહોંચતા લોકો મધપૂડો મધમાખી વિનાનો રેઢો જોઈ જાય એટલે ભાગે પડતો માલ વહેંચી લેવામાં ભારે કુશળ હોય છે, એટલે પરિણામ કોઈ વાર મહેનત મુજબ મળી શકતા નથી.’ અમારો સંવાદ ઘણો લાંબો ચાલ્યો હતો, પણ મને જે વાત આ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવા જેવી લાગી તેનો થોડો અંશ તમારી સમક્ષ મૂકું છું. ટૂંકમાં, ગાડાના બંને પૈડાં સમાન હોય તો જ ગાડું અંતર કાપી શકે છે. આ બધું પારખવા અને જાણવા ભીતરના ભેરુંને ઓળખવો પડશે. જ્યારે કાયાના સરનામે હરિના કાગળ આવી પહોંચશે ત્યારે આપણે જ ઊભા કરેલા અવરોધો આપણને જ આડા આવશે. જેના પર કુદરતની કૃપાવૃષ્ટિ થવાની સંભાવનાઓ હોય છે. તેને કોઈ પણ લાલચના મુખમાંથી ઉગારી લઈ સત્યના માર્ગે તેની યાત્રા આગળ-ને-આગળ ધપતી રહે તેવા ઉદ્દેશથી પ્રગતિના નામે તેનું અધોપતન ન થાય તેવા હેતુથી તેને બચવા, દૂર રાખવા કહેવાતી નિષ્ફળતા આપે છે. બીજા શબ્દમાં કહુ તો સામાપક્ષના વિજેતા નેતાનું સંચિત કર્મનું ફળ તેને આપી તે અસત્યની જાળમાં ફસાય છે કે નહિ? તેની પરીક્ષા પણ કરવાનો ઉમદા ઉદ્દેશ પણ આમા છુપાયેલો હોય છે માટે ‘આવું થતું હોય છે’ ને કોઈવાર ‘એવું પણ થતું રહે છે.’ વળી ક્યારેક તો ‘એના જેવું પણ થઈને રહે છે.’