ગઢડામાં જ્ઞાનજીવન સ્વામીની શ્રી હરિચરિત્ર કથાની પુર્ણાહુતી

748

ગઢડા(સ્વામીના) મુકામે તાજેતરમાં ટેમ્પલ બોર્ડની ગત ચૂંટણી અને પરિણામો બાદ આચાર્ય પક્ષ પાસેથી સત્તા આંચકી લઇ દેવ પક્ષ ના પ્રતિનિધીઓને સત્તાનું સુકાન સોંપવામાં આવેલ છે. આ સત્તા પલ્ટા દરમિયાન તાજેતરમાં ગત તા.૨૧- ૫-૨૦૧૯ થી તા.૨૭-૫-૨૦૧૯ દરમિયાન સુરત સ્થિત બલર પરિવારના યજમાન પદે બહોળા હરિભક્તો ધરાવતા વકતા અને કુંડળ સ્થિત સ્વામી જ્ઞાન જીવન દાસજી ના વ્યાસાસને શ્રી હરિચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સપ્તાહ દરમિયાન હજારો હરિભક્તોએ ઉપસ્થિતિ દર્શાવી હતી. તેમજ સ્વયંસેવકો દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. આ કથાની પૂર્ણાહૂતી પૂર્વે તા.૨૬-૫-૨૦૧૯ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વડતાલ ના પૂ. રાકેશપ્રસાદજી નું આગમન થયુ હતુ. છેલ્લા સોળ વર્ષથી વિવાદોના ઘેરાના કારણે ગઢડા નહી આવી શકેલા પૂ. રાકેશપ્રસાદજી અને સમર્થકોનો સંકલ્પ ૧૬ વર્ષે સિધ્ધ થયો હતો. આ દરમિયાન હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત હરીભક્તો દ્વારા વાજતે ગાજતે શ્રીગોપીનાથજી દેવ મંદિર થી લક્ષ્મીવાડી સુધી ભવ્ય સ્વાગત યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ધામધામથી ૩૦૦ કરતા વધારે સાધુ સંતો અને હજ્જારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગઢડા મંદિર તથા સંપ્રદાય મુદ્દે સંતો દ્વારા ઉદ્‌બોધન કરવામાં આવ્યા હતા. તેમજ વડતાલ સ્થિત અને મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી દ્વારા ઉદ્‌બોધન દરમિયાન હરિભક્તોએ કરેલા દાખડાના કારણે ગઢડા ખાતે આ દિવ્ય સભાનું આયોજન શક્ય બન્યુ હોવાનું જણાવ્યુ હતુ. તેમજ આ ચૂંટણી અને સત્તા પરિવર્તન માટે ઉપયોગી તમામનો નામોલ્લેખ કર્યો હતો.  જેમાં વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, ગુજરાત ના મુખ્યંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કોંગ્રેસના અમિતભાઇ ચાવડા સહિતનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ નવનિયુક્ત ચેરમેન હરિજીવનદાસજી ગુરુ ભાનુપ્રકાશદાજી દ્વારા ગદગદીત સ્વરે પોતાના દાદાગુરુ અને ગુરુનો સંકલ્પ વર્ષો બાદ સિધ્ધ થયો હોવાનું જણાવ્યુ હતુ. તેમજ કોઠારી સ્વામી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી દ્વારા સત્સંગ અને સંપ્રદાય માટે સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. આ દરમિયાન સંત પૂજન તથા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઉગ્ર બનેલી મહિલાઓ પર પોલીસનો બળપ્રયોગ

ગઢડા(સ્વામીના) મુકામે ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણી અને સંપ્રદાયના આચાર્ય મુદ્દે ચાલી રહેલા બે ઉભા ફાડીયા જેવી પરિસ્થિતિના કારણે સમગ્ર સંપ્રદાયમાં વિવાદ શમવાનું નામ નથી લેતો. આ કાર્યક્રમ દરમિયાન રાકેશપ્રસાદજીના આગમન મુદ્દે મંદિરના ગર્ભગૃહમાંજ કેટલીક મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ બોલાચાલી કરવામાં આવી હતી. જે દરમિયાન કાયદો અને વ્યવસથાની પરિસ્થિતિ બગડે નહી તે માટે પોલિસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક મહિલા ભકતને માથાના ભાગે લોહી નિકળતુ હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર ફેલાવા પામી હતી. જે બાબતે ગઢડા પી.એસ.આઇ. ટી.એસ. રીઝવીનો સંપર્ક કરતા આ બાબતે ગંભીરતા જાણી ૧૩ જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ લેખિત માફી પત્રક આપ્યા બાદ છૂટકારો કરવામાં આવ્યો હતો.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે ભવ્ય આમ્રોત્સવ ઉજવાયો
Next articleબહુમત કોળી સમાજ એક થતા અમરેલી બેઠક પર નારણભાઈ વિજેતા બન્યા