આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બે દિવસના ક્રિપ્ટોકરન્સી એક્સપોનો પ્રારંભ થયો છે, જેમાં ડીજીટલ કરન્સી અને બ્લોક ચેઈન ટેકનોલોજીના લાભનું આકલન કરવા અને વર્ચ્યુઅલ કરન્સીના પ્રભાવી પ્રવાહો અંગે માર્ગદર્શન માટેનો મંચ ખુલ્લો મૂકાયો છે.
ગ્લોબલ ક્રિપ્ટો હબ દ્વારા આયોજીત આ સમારંભનો મુખ્ય ઉદ્દેશ આઈસીઓ સ્ટાર્ટઅપ્સને યોગ્ય લોકો સાથે જોડીને તથા વ્યૂહાત્મક ભાગીદારી રચીને ક્રિપ્ટો ઈકોનોમીને સહાયરૂપ થવાનો છે. આ સમારંભમાં દુનિયાભરમાંથી ૧૫૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે અને નિષ્ણાતો દ્વારા વિવિધ બેઠકોમાં માર્ગદર્શન પૂરૂ પાડીને નવા અર્થતંત્રનો લાભ લેવા જાણકારી અપાશે.
મહત્વના સંખ્યાબંધ પ્રવચનો અને પેનલ ચર્ચાઓ યોજાશે, જેમાં આ વ્યવસ્થા દ્વારા પ્રાપ્ત થતી તકો,પડકારો, નિયમનો, વર્તમાન પધ્ધતિઓ અને પ્લેટફોર્મ્સ અંગે પરામર્શ કરાશે. ઈનોવેશનને કારણે સંભવિત શક્યતાઓ તથા વિઘટનકારી ટેકનોલોજીને કારણે ઉભી થતી પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવશે.
ક્રિપ્ટોકરન્સી એક્સપો નવા ફાયનાન્સિયલ અને ટેકનોલોજી-કલ ઈનોવેશન્સ અંગે માહિતી, જાણકારી તથા વિશ્લેષણ મેળવવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિ માટે રસપ્રદ બની રહેશે. ચર્ચાના વિષયોમાં શરૂઆત કરનારથી માંડીને નિષ્ણાતો સુધીના ક્રિપ્ટોકરન્સીના ગ્રાહકોને આવરી લેવાશે તથા તેમનો માર્કેટ આઈક્યુ અને રોકાણકાર, વેચાણકાર અને બિઝનેસ પ્રોફેશનલ તરીકેની સમજ વધે તે પ્રકારના વિષયોને ચર્ચા હેઠળ આવરી લેવાશે.
ગ્લોબલ ક્રિપ્ટો હબના સ્થાપક જગદીશ પંડ્યા જણાવે છે કે “પ્રારંભમાં તમામ મહત્વની બાબતોનો વિરોધ થતો હોય છે. સમય જતાં લોકો તેને ધ્યાન પર તો લે છે જ, પરંતુ અનુસરણ પણ કરવા લાગે છે. ક્રિપ્ટોકરન્સી એ વિકેન્દ્રિત ઈનોવેશનનું મહત્વનું ઉદાહરણ છે અને સૌ પ્રથમવાર તેનું મોટાપાયે આગમન થયું છે. તેના અસંખ્ય લાભ છે અને તેની વૃધ્ધિ લોકશાહી ઢબે થઈ રહી છે. જો આ ’બાળકે’ દુનિયામાં પ્રથમ વર્ષે જ તોફાન મચાવ્યું છે તો વિચાર કરો કે તે પુખ્ત થશે તો શું કરશે?
અમે નાણાંકીય સમુદાયના સિનિયર આગેવાનો, નિયમનકારો અને સરકારી સંસ્થાઓને આગળ આવીને ઉદ્યોગના નિષ્ણાતો સાથે સંવાદ કરવા અને બ્લોક ચેઈન, બીટકોઈન, ક્રિપ્ટોકરન્સીઝ અને ૈંર્ઝ્રંજ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવા જણાવીએ છીએ અને બજારમાં તે અંગે રસ અને જાણકારી પેદા કરવા પ્રયત્નશીલ છીએ. રોકી શકાય નહીં તેટલી માંગ ઉભી થઈ છે અને ટીકાઓ પણ એટલી જ થઈ રહી છે. આથી જો તમારે યોગ્ય સમયે ક્રિપ્ટોકરન્સીના અભૂતપૂર્વ વિકાસમાંથી ફાયદો મેળવવો હોય તો તે અંગેની જાણકારી ખૂબ જ મહત્વની બની રહેશે.”
વર્ષ ૨૦૧૭માં ક્રિપ્ટોકરન્સી ૮૦૦ અબજ ડોલરનું માર્કેટ કેપિટલાઈઝેશન વટાવી ચૂકી છે. આ વ્યાપક સર્ક્યુલેશન દર્શાવે છે કે જે લોકોએ આ પ્રથા વહેલી અપનાવી છે તેમના માટે મોટાપાયે નસીબ ખૂલી રહ્યું છે. આમ છતાં ફેરફારના આ પ્રવાહ અંગે તથા તેના પ્રત્યાઘાતો તેમજ તેની પાછળ કામ કરતી ટેકનોલોજી અંગે ખૂબ ઓછી જાણકારી પ્રવર્તે છે.
ક્રિપ્ટોકરન્સી એક્સપો ડોટકોમના સ્થાપક શાહીન નોબલ પિલ્લી જણાવે છે કે “દુનિયા હવે બદલાઈ ચૂકી છે. નાણાં કરતાં કશુંક વિશેષ આગળ ધપવા માટે જરૂરી બની રહેશે. બ્લોકચેઈન એ આવતીકાલની ટેકનોલોજી છે અને આગામી વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી જેવા ઈનોવેશન્સ સાચા અર્થમાં આગળ ધપતા જોવા મળશે. વિકેન્દ્રિત ઈનોવેશન અને આવતીકાલની દુનિયાને મજબૂત કરવાનું કામ કરવાની જરૂરિયાત છે. જેથી તે હાલમાં છે તેના કરતાં વધુ બહેતર બની શકે. જે લોકો પરિવર્તનના પ્રવાહને જોઈ શકતા નથી તે, આવનારી પરિસ્થિતિને નહીં પારખી શકનાર ડાયનોસોર્સ જેવા છે. દુનિયાભરમાં માનવ જાત તરીકે આપણે વધુ ક્રિપ્ટોકરન્સીનું સહ-નિર્માણ કરવાની જરૂર છે, જે આ દિશાનું એક મહત્વનું પગલું બની રહેશે.”
ક્રિપ્ટોકરન્સી એક્સપોમાં પ્રોફેશનલ્સ, બેંકર્સ, ઈન્વેસ્ટર્સ, સ્ટાર્ટઅપ્સ, એજ્યુકેટર્સ, માઈનર્સ, એક્સચેન્જર્સ, વોલેટસ, એકેડેમિશ્યન તથા વર્તમાન/ ઉભરતી ક્રિપ્ટોકરન્સીઝ, આઈસીઓઝ અને ચાહકો દુનિયાભરમાંથી એકત્ર થયા છે, જે આ પ્રવર્તમાન ઉદ્યોગ અંગે ભરોસાપાત્ર અને મૂલ્યવાન માહિતીની માંગ સંતોષવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ બની રહેશે. ક્રિપ્ટોકરન્સી ડીજીટલ અને વર્ચ્યુઅલ કરન્સીને આવરી લે છે, જે નકલી હોવાનું મુશ્કેલ છે. ક્રિપ્ટોકરન્સીના ઉપયોગમાં સલામતીના ઉચ્ચ ધોરણો પળાય છે અને તે કોઈપણ સરકારી દખલગિરીથી મુક્ત છે.