સુરતની ઘટના બાદ શિક્ષણ વિભાગના આદેશના પગલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેર-જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં ફાયર સેફટીના સાધનો બાબતે ચેકિંગ શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે ૧૨૦થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરાયું હતું. જેમાં રાજકોટ શહેરનાં ઇન્દ્રપ્રસ્થ નગર વિસ્તારમાં આવેલી મોદી, પીએન્ડ બી, પાઠક અને ભરાડ સ્કૂલની છત પર ડોમ હોય તે મહાનગરપાલિકાની મંજૂરીથી બનાવાયા છે કે કેમ? તે બાબતના આધાર-પુરાવા માગવામાં આવ્યા છે અને આ અંગેનો રિપોર્ટ મહાનગરપાલિકાને કરવા કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે સોમવારે રાજકોટ શહેરની ૫૦, પડધરીની ૪૦, ગોંડલની ૧૫, જસદણની ૧૨, મોવિયા તથા અન્ય ગ્રામ્ય વિસ્તારની મળી ૧૨૦થી વધુ સ્કૂલોમાં ફાયર સેફટીનાં સાધનો બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ઇન્દ્રપ્રસ્થ નગર વિસ્તારમાં આવેલી પીએન્ડબી, પાઠક, મોદી અને ભરાડ સ્કૂલમાં અગાશી પર ડોમ હોવાની હકીકત ધ્યાનમાં આવી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલના રસોડાઘરમાં જ અગ્નિશામક સાધનોની કોઈ વ્યવસ્થા જ નથી.
અહી એક રૂમમાં તાળું મારીને ૪૦ જેટલા ગેસ સિલિન્ડરો રાખવામાં આવ્યા હતા. પણ ત્યાં એકપણ અગ્નિશામક સાધન હતું નથી. જે બાબતે રસોડા ઇન્ચાર્જ કહે છે કે રસોડામાં રૂમમાં તાળું મારીને સપ્લાય કરવામાં આવી રહેલા ૪૦ ગેસ સીલીન્ડરો તો હતા, પણ રસોડામાં એક પણ અગ્નિશામક સાધન હાજર જોવા ના મળ્યું.
આ અંગે ઇન્ચાર્જ અધિક્ષક ડો.નલીની દેસાઈની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોનો દાવો છે કે હોસ્પિટલમાં જરૂરી તમામ ફાયર સેફટીની સુવિધા હોવા સાથે જ આગામી એકાદ દિવસમાં જ જી.જી.હોસ્પિટલના કર્મચારીઓ માટે ફાયર સેફટીની તાલીમનો વર્ગ આયોજિત થઇ રહ્યો છે. સાથે સાથે જો રસોડામાં આ રીતે ફાયર સેફ્ટીના સાધનો ના હોય તો તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાત્રી પણ આપી હતી.