ચાલુ માસના અંતે વિશ્વ માસીક સ્વચ્છતા દિનની ઉજવણી પ્રસંગે સાબરકાંઠા જિલ્લાની ૮૦૦ જેટલી શાળાઓમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વપરાયેલા સેનેટરી પેડના નિકાલ માટે યુનીસેફના સહયોગથી જાતે ડીઝાઇન કરેલ પેડ ઇન્સીનેટર મશીન મૂકવાનુ આયોજન કરી રાજ્યમાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શાળા- મહાશાળાઓમાં અભ્યાસ કરતી તરુણીઓ કિશોરીઓને જે વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેનુ નિરાકરણ કાઢવા વડોદરાના ઝઘડીયા ખાતે વીઝીટ કરી સેનેટરી પેડનો નાશ કરવા બનાવેલ મશીનનો અભ્યાસ કરી ઇડર તાલુકાના બડોલીમાં માત્ર રૂ.૩૦૦ માં જાતે ડીઝાઇન કરેલ સીમેન્ટથી બનેલ ઇન્સીનેટર મશીન બનાવડાવ્યું.
આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સીએ જણાવ્યુ કે મુંબઇની બે વિદ્યાર્થીનીઓ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી જિલ્લાની કેટલીક શાળાઓમાં પેડ વેન્ડીંગ અને પેડ ઇન્સીનેટર મશીન મૂકવામાં આવ્યા છે અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ પણ આવી રહી છે જેને કારણે સેનેટરી પેડનો વપરાશ વધ્યો છે અને તેના નિકાલની ભારે સમસ્યા છે. બ્રાન્ડેડ ઇન્સીનેટર મશીન ઘણા મોંઘા આવે છે યુનીસેફના સહયોગથી માત્ર રૂા.૩૦૦ ના ખર્ચે સીમેન્ટનુ બનેલ ઇન્સીનેટર મશીન જિલ્લાની ૮૦૦ થી વધુ શાળાઓમાં મૂકવાનુ આયોજન કર્યું છે અત્યારે વેકેશન ચાલી રહ્યુ છે. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટરની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી રાજ્યમાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે આને કારણે કિશોરીઓ તરુણીઓની મોટી સમસ્યાનું નિરાકરણ આવી જશે. તેમણે ઉમેર્યુ કે પેડને આ મશીનમાં નાખી સળગાવી દેવાનુ હોય છે સરળ રીતે નાશ કરી શકાય છે.