જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે જેમાં હિઝબુલના બે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ કામગીરી ચાલી રહી છે. અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં સુત્રોએ સુરક્ષા દળોને આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ આ સમગ્ર વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. છુપાયેલા આતંકવાદીઓએ ઓપરેશન વેળા અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેના જવાબમાં સુરક્ષા દળો તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આતંકવાદીઓની સામે આ અભિયાનમાં જમ્મુ કાશ્મીર પોલીસ ઉપરાંત ૧૯ રાષ્ટ્રીય રાયફલ અને સીઆરપીએફના જવાન સામેલ થયા હતા. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કરીમાબાદ ગામમાં સુરક્ષા દળો દ્વારા મંગળવારના દિવસે ઓપરેશન હાથ ધર્યું હતું.
વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો ઉપર કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ ગામમાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ ત્રાસવાદીઓને બહાર કાઢવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળોએ તપાસ ઓપરેશન હાથ ધર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા માટે મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યુ ંછે જેમાં સફળતા પણ હાથ લાગી છે. છેલ્લા બે ત્રણ મહિનાના ગાળામાં જ સેંકડો આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સેના અને સુરક્ષા દળોના ઓપરેશન ઓલઆઉટના કારણે આતંકવાદીઓની કમર તુટી ગઈ છે. જૈશ અને તોઇબા જેવા આતંકવાદી સંગઠનો તેમના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. શાંતિ સ્થાપિત થવાના સંકેતો દેખાઈ રહ્યા છે.