લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી જોરદાર જીત બાદ કોંગ્રેસની અંદર ભારે ઉથલપાથલનો દોર જારી છે. એકબાજુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામુ આપી દેવાના મૂડમાં છે તો બીજી બાજુ રાજ્યમાં વરિષ્ઠ નેતાઓની જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કર્ણાટકમાં જનતા દળ સેક્યુલરની સાથે ચાલી રહેલી કોંગ્રેસની ગઠબંધન સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. બંને સાથી પક્ષો વચ્ચે તિરાડ પડવાના અહેવાલ વચ્ચે પોતાના કિલ્લાને બચાવી લેવા દિલ્હીમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્યના પ્રભારી કેસી વેણુગોપાલ બેંગ્લોર પહોંચી ગયા છે. કોંગ્રેસ પાર્ટીની અંદર જોરદાર અસંતોષનું મોજુ ફેલાયેલું છે. રવિવારના દિવસે જ પાર્ટીના બે ધારાસભ્યોએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના બેંગ્લોરના આવાસ પર બેઠક યોજી હતી. ત્યારબાદથી અટકળોનો દોર ચાલી રહ્યો છે.
દક્ષિણ રાજ્યમાં ગઠબંધન સરકાર બન્યા બાદથી જ આ સરકાર ગબડી પડવાની અટકળો ચાલી રહી હતી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસને મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે, રાજ્ય સરકાર ૧૦મી જૂન બાદ કોઇપણ સમયે ગબડી પડશે. સામાન્ય ચૂંટણીમાં બંને પાર્ટીઓને કર્ણાટકમાં માત્ર એક એક સીટો મળી છે. કર્ણાટકની ૨૮ લોકસભા સીટમાં ભાજપને ૨૫ સીટો મેળવી લીધી છે જ્યારે એક અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. કોંગ્રેસ તરફથી ધારાસભ્ય રાજેશ અને સુધારકે કૃષ્ણાના આવાસ પર ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ મુલાકાત કોઇ રાજકીય ન હતી. જો કે, આ વાતચીત થયા બાદથી કર્ણાટક સરકાર ગબડી પડશે તેવા સંકેત મળી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે, દિલ્હીથી પહોંચેલા કોંગ્રેસના નેતાઓ રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ તથા ધારાસભ્યોને મળીને સંકટ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના નેતાઓ કહી રહ્યા હતા કે, ૨૩મી મે બાદ કોંગ્રેસ અને જેડીએસની સરકાર ગબડી પડશે. ૨૨૫ વિધાનસભા સીટો વાળા કર્ણાટકમાં ભાજપની ૧૦૫ સીટો છે. તે સૌથી મોટી પાર્ટી છે. સત્તારુઢ ગઠબંધનની પાસે ૧૧૭ સીટો છે જેમાં કોંગ્રેસના ૭૯ અને જેડીએસના ૩૭ તેમજ બસપના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે.