પોરબંદરના હવાઈ મથકના વિસ્તૃતીકરણ મામલે બેઠક

578

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે યોજેલી બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા સાથે પ્રવાસન પ્રવૃતિનું પણ મહત્વનું કેન્દ્ર છે તે સંદર્ભમાં આ એરપોર્ટના હાલના રન-વે ને ર૬૦૦ મીટર જેટલો વિસ્તૃત કરવાની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે કહ્યું કે, પોરબંદરમાં સમુદ્રી સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ડીયન કોસ્ટગાર્ડ અને નૌ સેના જેવી એજન્સીઓ પણ કાર્યરત છે.

ત્યારે ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડીંગ થઇ શકે તે માટે પણ આ રન-વે એકસપાન્શન જરૂરી છે. એટલું જ નહિ, પોરબંદરથી હાલ અમદાવાદ-મુંબઇ માટે જે પેસેન્જર પ્લેન ચાલે છે તેમાં પણ વધુ વહન ક્ષમતા વાળા પ્લેનની વધારે ફ્રિકવન્સી કરી શકાય અને વધુ પ્રવાસીઓને હવાઇ સેવાનો લાભ મળે તે હેતુથી પ્રવર્તમાન રન-વે ની ૧૩૭ર મીટરની જે લંબાઇ છે તે વધારવી જોઇએ.

એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સાથેની આ બેઠકમાં એવું પણ વિચારણામાં લેવામાં આવ્યું કે, કોસ્ટગાર્ડના સ્ટાફ કવાટર્સ એરપોર્ટ રન-વે નજીક બનાવવામાં આવી રહ્યા છે તે માટે પણ રન-વે વિસ્તૃતીકરણને અસર ન પડે તે રીતે વધુ જમીન ફાળવી શકાય કે કેમ તે અંગેનો શકયતાદર્શી અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા તૈયાર કરીને રાજ્ય સરકારને આપશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયાની પણ વિશ્વ પ્રવાસન ધામ તરીકેની વિકસી રહેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જરૂરી જમીન ફાળવણી માટે જિલ્લાતંત્ર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.

Previous articleપરેશ ધાનાણી દ્વારા પણ હવે રાજીનામુ આપવાની ઓફર
Next articleરૂપાણી કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરવાનો તખ્તો તૈયાર