ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે શું ? (આઇ.બી.એસ.) : ખરેખર, આ રોગ ખૂબ જ વ્યાપક છે.
ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઇ.બી.એસ.) આંતરડાનો એક એવો વિકાર છે જેને લીધે પેટમાં ચૂંક આવવી, પેટ ફુલી જવું જેવી તકલીફો ઉપરાંત મળત્યાગની આદતોમાં પણ ઘણું પરિવર્તન આવી જાય છે. આઇ.બી.એસ. ગ્રસ્ત કેટલીક વ્યક્તિઓને કબજિયાત થઇ જાય છે. કેટલાક જણને ઝાડા થઇ જાય છે. અને કેટલાકને બંને પ્રકારની તકલીફ થઇ આવે છે. ઘણીવાર આઇ.બી.એસ. ગ્રસ્ત વ્યક્તિને મળત્યાગ કરવાની તીવ્ર ઇચ્છા થાય છે. પણ મળ બહાર આવતો નથી.
અલબત્ત, આઇ.બી.એસ.નું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આઇ.બી.એસ.ને લીધે વ્યક્તિને તકલીફ અને પીડા તો જરૂર થાય છે પણ તેને લીધે આંતરડાને કાયમી ધોરણે નુકશાન થતું નથી. મળ સાથે લોહી પડવા કે પછી કોઇ ગંભીર રોગ લાગુ પડવાનું જોખમ પણ નથી હોતું. ઘણીવાર આઇ.બી.એસ.ને લીધે મામૂલી સંતાપ થાય છે. જેમ કે સામાજિક કાર્યક્રમમાં સામેલ થવું, નોકરી અથવા કામ પર જવું અથવા ટૂંકા અંતરના પ્રવાસે જવું. આમ છતાં મોટાભાગના ડોકટરો સૂચવેલ દવાઓ, આહાર અને તાણમુક્તિની તરકીબ અજમાવી પોતાના આ લક્ષણો પર નિયંત્રણ જમાવી લે છે.
આઇ.બી.એસ. શાથી થાય છે ?
આપણું મોટું આંતરડું જે લગભગ ૬ ફુટ લાંબુ હોય છે. તે નાના આંતરડાને ગુદા અને ગુદાદ્વારથી જોડે છે. મોટા આંતરડાનું મુખ્ય કામ નાના આંતરડામાં પ્રવેશનાર તમામ પાચન યોગ્ય પદાર્થોમાંથી પાણી અને મીઠું શોષી લેવાનું હોય છે. શરીર જ્યાં સુધી પ્રવાહી અને મીઠાનો મહત્તમ હિસ્સો શોષી ન લે ત્યાં સુધી આ પદાર્થ કેટલાક દિવસ સુધી અહીં પડ્યો રહે તેવું બની શકે છે. ત્યારપછી મોટા આંતરડાની ડાબી બાજુએથી એક ખાસ પદ્ધતિથી મળ બહાર આવે છે. જ્યાં તે મળત્યાગની હલચલ અથવા ઇચ્છા થાય ત્યાં સુધી જમા રહે છે.
મોટા આંતરડાની હિલચાલ (મોટા આંતરડામાં રહેલા પદાર્થોને લીધે ધકેલવા માટે આંતરાડની પેશીઓમાં થનાર સંકુચન) પર સ્નાયુ એન હોર્મોનની સાથો સાથ મોટા આંતરડાની પેશીઓની વિદ્યુતકિય પ્રવૃત્તિઓ દ્વારા પણ નિયંત્રણ રાખવામાં આવે છે. આ વિદ્યુતકિય પ્રવૃત્તિ એક પેસમેકર જેવું કામ કરે છે.
મોટા આંતરડામાં થનારી આ ક્રિયા તેમાં હાજર રહેલા પદાર્થોને આગળ પાછળ કરી ખાસ કરીને તેને નીચે એટલે કે ગુદા દ્વાર તરફ ધકેલે છે. દરરોજ કેટલીય વાર મોટ આંતરડાની મજબુત પેશીઓ સંકોચન દ્વારા આંતરડામાં રહેલ પદાર્થોને નીચે ધકેલે છે. આમાંના કેટલાક શક્તિશાળી સંકોચનને લીધે જ મળત્યાગની ઇચ્છા થાય છે.
આઇ.બી.એસ.નું ચોક્કસ કારણ હજી સુધી શોધી ન શકાયું હોવાથી એમ માનવામાં આવે છે કે આ વિકાસ માનસિક, ભાવનાત્મક તાણને લીધે થાય છે. એમ માનવામાં આવે છે કે તેમનું મોટું આંતરડું વધુ સંવેદનશીલ અને પ્રતિક્રિયાત્મક હોય છે. આથી તે બાહ્ય ઉત્તજેક કારણો સામે, સામાન્ય વ્યક્તિની તુલનામાં તીવ્ર પ્રતિક્રિયા દાખવે છે.
ખાવા-પીવા તથા ગેસને લીધે પેટ ફુલી જવા જેવી સાધારણ બાબતો અથવા મોટા આંતરડામાં રહેલ અન્ય પદાર્થોને લીધે પણ મોટા આંતરડા વધુ પડતી પ્રતિક્રિયા દર્શાવે છે. આ ઉપરાંત કેટલાક પ્રકારની દવાઓ અને ખાદ્યપદાર્થોને લીધે પણ કેટલાક લોકોના પેટમાં ચૂંક આવી શકે છે. ઘણીવાર આ ચૂંક અથવા સ્પાઝમને લીધે મળ નીચે પહોંચવામાં થોડી વાર લાગે છે. જેનાથી તેમને કબજિયાત થઇ જાય છે. ચોકલેટ, દુગ્ધયુક્તપદાર્થ અથવા ભારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી પણ આ તકલીફ થઇ શકે છે. કેફીન (કોફી)ને લીધે લોકોને પાતળા ઝાડા થઇ આવે છે પણ આઇ.બી.એસ. ગ્રસ્ત વ્યક્તિ પર આવી વિપરીત અસર પણ થઇ શકે છે. સંશોધકોએ એવું પણ તારણ કાઢ્યું છે કે આઇ.બી.એસ.ગ્રસ્ત મહિલાઓમાં આ લક્ષણો તેમના માસિકગાળા દરમ્યાન વધી જાય છે. આ પરથી એવું ફલિત થાય છે કે હોર્મોનને લીધે લક્ષણો તીવ્ર બની શકે છે.
આઇ.બી.એસ.નાં લક્ષણો
અહીં એ સમજી લેવી જરૂરી છે કે દરેક વ્યક્તિની મળત્યાગની આદત અલગ અલગ હોય છે. સામાન્ય મળત્યાગની આદત દિવસમાં ત્રણવારથી લઇ અઠવાડિયામાં માત્ર ત્રણવાર સુધીની હોઇ શકે છે. એક સામાન્ય મળ એને કહેવાય જે બંધાયેલા તો હોય પણ બહુ સખત ન હોય. તેમાં લોહી અથવા ચિકાસ ભળેલા ન હોય અને મળત્યાગ કરતી વખતે પેટમાં ચૂંક ન આવે કે દુઃખાવો ન થાય.
આઇ.બી.એસ.ગ્રસ્ત વ્યક્તિને આથી ઉલટું સામાન્ય રીતે મળત્યાગ વખતે પેટમાં ચૂંક આવે છે અને દુઃખાવો પણ ઉપડે છે. ક્યારેક કબજીયાત થઇ આવે છે. તો ક્યારેક ઝાડા થઇ આવે છે. કેટલીક વાર મળની સાથોસાથ ચિકાશયુક્ત પદાર્થ પણ બહાર પડે છે.
વધુ સામાન્ય લક્ષણો : પેટમાં દુઃખાવો, પેટ ફુલી જવું, ઓછા પ્રમાણમાં ઝાડા અથવા કબજીયાત , મળ ઓછો અને સખ્ત ઉતરે, કદીક ગોળી રૂપે તો કદીક રિબન રૂપે, મળની ચારે તરફ ચિકાશ હોય, મળત્યાગ પછી સંતોષ ન થાય અથવા પૂરી રીતે પેટ સાફ ન થાય.
ઓછા સામાન્ય લક્ષણો : મળત્યાગ પહેલાં પેટમાં દુઃખાવો થાય. માથાનો દુઃખાવો, પરસેવો થવો, ચહેરો લાલચોળ થઇ જવો અને ઉબકા આવવા, ભૂખ ઓછી લાગવી, ઓડકાર આવવા, ઉલ્ટી થવી.
નિદાન કઇ રીતે થાય ?
ડોકટર તમારી સંપૂર્ણ ચિકીત્સા સંબંધી માહિતી પૂછશે. સાથોસાથ તમારાં લક્ષણો વિશે કાળજીપૂર્વક સાંભળશે. આ ઉપરાંત તમારી શારીરિક તપાસ અને પ્રયોગશાળા પરિક્ષણ પણ કરવામાં આવશે. એક્સ-રે, સોનોગ્રાફી, બેરીયમ તપાસ, ઝાડાની તપાસ વગેરે બધુ સમધારણ (નોરમલ) હોય છે. જે આ રોગની વિશિષ્ઠતા છે.
ભોજન અને માનસિક તાણની અસરો
આઇ.બી.એસ. વાળી વ્યક્તિઓમાં મોટા આંતરડાની અસામાન્ય કામગીરીની શક્યતા તો કાયમી ધોરણે હોય જ છે. પરંતુ લક્ષણ પેદા કરવા માટે કોઇને કોઇ ઉત્તેજક કારણ પણ જરૂર હાજર હોય છે. અને સૌથી મહત્વનાં કારણો હોય છે. ભોજન અને ભાવનાત્મક તાણ ઘણાં લોકોની એવી ફરિયાદ હોય છે. કે જમી લીધા પછી પોતે માનસિક તાણ અનુભવતા હોય ત્યારે આ લક્ષણો જોવા મળે છે.
ભોજન દરમ્યાન મોટા આંતરડામાં સંકોચન થાય છે. સામાન્ય રીતે, આને લીધી ભોજનની ૩૦ થી ૬૦ મિનિટ પછી મળત્યાગની ઇચ્છા થઇ શકે છે.
જો કે આ રોગમાં પેટમાં ચૂંક અથવા ઝાડા થઇ આવવાના રૂપમાં આ લક્ષણો વહેલાં જોવા મળે છે. જમ્યા પછી આંતરડાઓમાં થતા સંકોચનનું મુખ્ય કારણ કોઇપણ પ્રકારના અથવા પ્રાણીજન્ય અથવા વનસ્પતિજન્ય ચરબીયુક્ત પદાર્થો છે. ઘણા આહારો ચરબીયુક્ત હોય છે. જેમાં મુખ્યત્વે તમામ પ્રકારના માંસ, મરઘાઓની ખાલ, હોલમિલ્ક, ક્રીમ, ચીઝ, માખણ, વનસ્પતિજન્ય તેલ, માર્ગરિન, મોણયુક્ત પદાર્થોને સમાવેશ થાય છે.
સંતુલિત ભોજન આઇ.બી.એસ. માં મદદરૂપ થાય છે ?
ઘણાં લોકોની એવી પ્રકૃતિ હોય છે કે તેઓ જો સમતોલ આહાર લે તો તેમનામાં આઇ.બી.એસ. નાં લક્ષણો ઘટી જાય છે. ડોકટર તમને અનુરૂપ આહાર સંબંધી માર્ગદર્શન આપી શકે છે. ઉદાહરણ રૂપે દુગ્ધ પદાર્થો ખાવાથી તમારાં લક્ષણો વધી જતાં તો તમે આવા પદાર્થોને દુર જ રાખો.
ઘણાં કિસ્સામાં રેસાદાર પદાર્થ ખાવાથી આઇ.બી.એસ.નાં લક્ષણો ઘટી જાય છે. હોલ ગ્રેન બ્રેડ અને અનાજ બિન્સ, ફળ અને શાકભાજી આ બધા ઉત્તમ રેસાદાર ખોરાક છે. ઉચ્ચ રેસાદાર આહાર આંતરડાને હળવેથી પ્રસારી નાખે છે. જેને લીધે પેટમાં ચૂંટ ઓછી આવે છે. કેટલાક રેસાદાર પદાર્થો મળમાં પાણીનું પ્રમાણ વધારી નાખે છે. જેથી મળ સહેલાઇથી બહાર નીકળી જાય છે. આથી કાયમ રેસાદાર પદાર્થો વધુ પ્રમાણમાં ખાવાની ભલામણ કરવામાં આવે છે. જેથી કોઇ પ્રકારની ચૂક અથવા દુઃખાવા વગર મળ સહેલાઇથી બહાર આવી શકે છે. જો કે વધુ પ્રમાણમાં રેસાદાર પદાર્થો ખાવાથી ગેસ થઇ જાય છે. કે પછી પેટ પણ ફુલી જાય છે. પણ એકવાર શરીરને તેની આદત પડી જતાં આપમેળે આ લક્ષણો દૂર થઇ જાય છે.
બને ત્યાં સુધી એક જ બેઠકે વધુ ભોજન ન કરવું જોઇએ. કારણ તેમ કરતાં પેટમાં ચૂક આવવાની અથવા ઝાડા થઇ આવવાની શક્યતાઓ રહેલી છે. જો થોડું થોડું કરીને રોજ ૫-૬ વાર ખાશો તો આ લક્ષણો ઘટી જશે. આ ઉપરાંત જો આહાર ઓછો ચરબીયુક્ત અને વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતો હશે. (જેમ કે ભાત, હોલગ્રેન બ્રેડ અને અનાજ, ફળો તથા શાકભાજી) તો લક્ષણોને નિયંત્રિત રાખવામાં તે મદદરૂપ થઇ પડશે.
જો એમ લાગે કે કેટલાક ખાસ પ્રકારના ખાદ્ય પદાર્થો ખાવાથી આઇ.બી.એસ.નાં લક્ષણો વધી જાય છે. તો તેમનાથી દુર રહેવામાં જ શાણપણ રહેલું છે. આઇ.બી.એસ. ગ્રસ્ત મોટાભાગના દર્દીઓ દૂધ અથવા દૂધથી બનેલા પદાર્થો પ્રત્યે સંવેદનશીલ હોય છે. જો કે આહાર નિયંત્રણનો આધાર પ્રત્યેક વ્યક્તિને આઇ.બી.એસ. કઇ રીતે અને કેટલાં પ્રમાણમાં અસર કરે છે. તેના પર રહેલો છે.
તાણમુક્ત રહેવું. (અગત્યનું પુનરાવર્તન)
કેટલી આઇ.બી.એસ. ગ્રસ્ત વ્યક્તિઓએ એવું અનુભવ્યું છે કે તેઓ જ્યારે વધુ પડતી ઉત્તેજીત અથવા તાણગ્રસ્ત હોય (સારીરીક, માનસિક કે ભાવનાત્મક રીતે) ત્યારે તેમના પેટમાં ભારે દુઃખાવો ઉપડે છે. આથી હંમેશ તાણમુક્ત રહેવાની કોશીશ કરો. જેથી તમારા લક્ષણો ઘટી જશે. આ માટે ધાર્મિકતા, મેડીટેશન, સારૂં વાંચન વગેરે ઉપયોગી થઇ પડે.
દવાઓ : જો ઉપર જણાવેલ પગલાંઓથી પૂરતા પ્રમાણમાં લક્ષણોથી આરામ ન મળે તો ટેગાસેરોડ નામક નવી દવાઓ પોતાના લક્ષણોથી તમને રાહત પહોંચાડી શકેછે. ટેગાસેરોડ એક નવી આધુનિક દવા છે જે પેટના દુઃખાવા પેટની તકલીફ અને કબજિયાતથી આરામ અપાવે છે.
ટેગાસેરોડ સંબંધી વધુ માહિતી માટે ચિકિત્સકની સલાહ લેવી. ડોકટરને પૂછ્યા વિના કોઇપણ દવા ન લેવી. પોતે પોતાનો ઔષધોપચાર કરવો હાનિકારક નીવડી શકે છે. કૃપયા એ વાત ધ્યાનમાં રાખો કે આઇ.બી.એસ. લાંબા વખત સુધી લાગુ પડી રહેનારી હાનિકારક સ્થિતિ છે. આમ છતાં નીચે જણાવેલ લક્ષણો દેખાય તો તુરત જ ડોકટરને મળવું. મળની સાથે જો લોહી પણ પડે તો, ઘેરા કાળા રંગનો ચિકાસયુક્ત મળ ઉતરે તો, અચાનક કારણ વિના વજન ઉતરવા લાગે તો, પેટમાં એક સરખો દુઃખાવો રહે અથવા તે અસહ્ય બની જાય તો, આઇ.બી.એસ. અતિ સામાન્ય ફરિયાદ છે, આઇ.બી.એસ. કોઇ ગંભીર સ્થિતિ સાથે સંબંધિત નથી, લક્ષણોને ઉત્તેજિત કરનાર ખાદ્ય પદાર્થો અને સ્થિતિઓથી દૂર રહેવું જરૂરી છે, ભોજનમાં વધુમાં વધુ રેસાદાર પદાર્થો સામેલ કરવા, તાણમુક્ત રહેવા પ્રયત્ન કરવો, નવી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.