રાજુલા શહેર તાલુકામાં આશીર્વાદરૂપ એકમાત્ર ગર્લ્સ સ્કુલમાં પ્રવેશ મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે. તાકીદ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.
રાજુલામાં આવેલી ટી.જે.બી.એસ. ગર્લ્સ સ્કુલમાં રાજુલા શહેર તેમજ ૭ર ગામની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. હાલમાં ધો. ૯ના ૬ વર્ગ છે. જેમાં ૩૬૦ની સંખ્યા ભરી શકાય છે પણ તેની સામે હાલમાં ૮૦ વિદ્યાર્થીનીઓના પ્રવેશ વધ્યા છે જે હાલ પેન્ડિંગ છે તો ધો.૧૦માં પ વર્ગ ફાળવેલ છે. જેમાં ૩૦૦ વિદ્યાર્થીનીઓ ભરી શકાય છે. તેની સામે હાલ ૯૦ પ્રવેશ વધ્યા છે જે પેન્ડિંગ છે આથી વીદ્યાર્થીનીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા શિક્ષણ અધિકારી અમરેલીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે આ વીસ્તારના અતિ પછાત વીસ્તારો મજુર વિસ્તારો જેવા કે ચાંચ ખેર પટવા સમઢીયાળા પીપાવાવ દેવપરા કાતર હિંડોરણા વિકટર ઠવી રામપરા બારપટોળી સહિતના ગામોમાંથી અહીં દિકરીઓ અભ્યાસ કરવા આવે છે. ત્યારે આ સમસ્યાથી દિકરીઓનો અભ્યાસ બગડે છે. આથી આ દિકરીઓના હિતમાં વર્ગો વધારી આ દિકરીઓનો સમાવેશ કરવા રજુઆત કરવામાં આવી છે.